Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

આસામમાં આર્મીમાં ફરજ બજાવતા લીંબડાના આર્મી જવાને યુવતીને પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કરતા અરેરાટી

આસામ: ખાતે આસામ રાયફલ્સ દળમાં ફરજ બજાવતા એક જવાને અરવલ્લી જિલ્લાના વિજયનગર તાલુકાના સંડવાસા ગામની એક યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધીને આ વાતની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હોવાના આક્ષેપો કરતી એક ફરિયાદ ગઇકાલે વિજયનગર પોલીસ મથકમાં નોંધાઈ છે.

પોલીસના જણાવ્યા અનુસાર કહેવાતા બળજબરીપૂર્વકના શારીરિક સંબંધોનો ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે વિજયનગર તાલુકાના લીંબડા ગામના મૂળ વતની અને હાસ આસામ રાયફલ્સના સશસ્ત્ર દળમાં ફરજ બજાવતા જવાન વનરાજ બાબુલાલ પાંડવાના વિરૃદ્ધમાં મુખ્યત્વે બળાત્કારનો ગૂનો દાખલ કરીને સબ ઇન્સ્પેક્ટર વાય.વાય. ચૌહાણે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર વિજયનગર તાલુકાના સંડવાસા ગામની યુવતી તથા લીંબડા ગામના યુવક સન ૨૦૧૫ના જુલાઇ મહિના દરમ્યાન એકબીજાના પરિચયમાં આવ્યા હતા. ત્યાર પછી આ પરિચય પ્રણય સંબંધમાં પરિણમ્યો હતો અને યુવતીને લગ્ન કરવાના પ્રલોભનમાં ફસાવીને અવારનવાર તેની ઇચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા. તેમજ આ સંબંધોની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપવામાં આવતી હોવાના આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

(5:07 pm IST)