Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

કેદી ભાગે તો 'જાપ્તા'ની નોકરી ફાળવણી કરનાર પણ આરોપી : DGPનો પરિપત્ર

એકના એક પોલીસકર્મીને જાપ્તા - પાર્ટીની નોકરી આપવાનું કાવતરું ચાલી રહ્યું છે

અમદાવાદ તા. ૨૨ : હવે, કોર્ટમાં કે બહારગામ લઈ જતી વખતે 'જાપ્તા પાર્ટી'માંથી કોઈ કેદી કે આરોપી ભાગે તો 'જાપ્તા'ની નોકરીની ફાળવણી કરનાર પણ આરોપી ગણી શકાશે. એકના એક પોલીસ કર્મચારીને જાપ્તા પાર્ટીની નોકરી આપવાનું કાવતરૃં ચાલતું હોવાની ભીતિ વ્યકત કરી 'જાપ્તા પાર્ટી'ની વ્યવસ્થામાં DGP શિવાનંદ ઝાએ મહત્વના સુધારા વ્યકત કરતા સુચનોનો પરિપત્ર જારી કર્યો છે. DGPએ પ્રિઝન વાનમાં કેદી અને પોલીસ વચ્ચે જાળી ફીટ કરાવવા અને વધુ પ્રિઝનવાન, જાપ્તા પોલીસકર્મી ફાળવવા ઉપર પણ ભાર મુકયો છે.

DGPએ જારી કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે, કેદી અને કેદી પાર્ટીની સંખ્યા મળીને છ અથવા છથી વધારે થાય ત્યારે પોલીસ વાહન મોકલવું. કેદીઓની સંખ્યા વધે તો મોટું વાહન વાપરવું. ડીઝલની બચત કરવા બહારગામના કેદી માટે લાઈટ વાહન અને સ્થાનિક કેદી માટે મોટું વાહન વાપરવું. એ જ રીતે મોટાભાગના પ્રિઝન વાહનમાં કેદીઓ અને કેદી પાર્ટીના માણસો વચ્ચે પાર્ટીશન હોતું નથી. લાઈટ વાનમાં આ વ્યવસ્થા ગોઠવવી.

મહત્વનું એ સૂચન પણ કરાયું છે કે, જાપ્તામાં પોલીસના માણસ રાયફલ અને ચામડાના બૂટમાં હોય છે. કેદી ભાગે તો તેને પકડવાના પ્રયાસ વધુ સફળ રહે તે માટે કેદી પાર્ટીના પોલીસને જંગલ બુટ અથવા પીટી શૂઝ આપવા. નાર્કોટિકસ, ડ્રગ ટ્રાફિકીંગના ગુનેગારો અને વારંવાર ગુના આચરતા કેદીની પાર્ટીમાં અલગ-અલગ પોલીસના માણસો ફાળવવા.

કોર્ટમાં 'લોકઅપ ગાર્ડ'નો બીજો ઉપયોગ બંધ કરો

.   કોર્ટ બિલ્ડીંગમાં લોકઅપ ગાર્ડ હોય છે પણ તેનો ઉપયોગ કોર્ટ તરફથી બીજા હેતુ માટે કરવામાં આવે છે. આ કારણે કેદીઓને બિલ્ડીંગ બહાર કે ખુલ્લામાં આખો દિવસ રહેવું પડે છે અને નાસી જવાની તક મળે છે.

.   આ પદ્ઘતિથી કેદી પાર્ટીના વધુ વાહનની જરૂર પડે છે. લોકઅપ ગાર્ડ ઉપલબ્ધ કરાવાય તો એક જ પ્રિઝનવાન બે-ત્રણ ટ્રીપ કરી વધુ કેદીને લાવી, લઈ જઈ શકે છે. આથી, કોર્ટમાં લોકઅપ રૂમ ઉપલબ્ધ કરાવવા.

.   હિંસક બની શકે કે નાસી જવા પ્રયાસ કરે તેવા કેદીને વ્યાજબીપણાની લેખિત નોંધ કોર્ટમાં આપી હાથકડી કે દોરડા સાથે લઈ જવા હીતાવહ છે.

.   જે શહેર, જિલ્લામાં વિડિયો કોન્ફરન્સીંગ સુવિધા હોય ત્યાં કેદીઓનું પ્રોડકશન આ નવી પદ્ઘતિથી જ કરવું.

.   નિયમ મુજબ બે કેદી માટે ત્રણ અને ૩ કેદી માટે ત્રણ પોલીસ માણસો મોકલવાના હોય છે. પણ, કેદી પાર્ટીના માણસોની ઘટ અને કેદીઓ ઓછી વયના હોવાથી નાસી જવાના કિસ્સા વધે છે. ખાસ કરીને બહારગામ જતી વખતે આ સંભાવના ટાળવા સ્કેલ કરતા વધુ માણસ મુકવા સુચન છે.

(10:26 am IST)