Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

વિક્રમ સંવત-૨૦૭૪માં પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ તા. ૬ સપ્ટેમ્બરથી, તા. ૧૩મીએ સંવત્સરી

આ વર્ષે પર્યુષણના પ્રારંભે ગુરુપુષ્યામૃત સિધ્ધિયોગ : જૈન જગતમાં આનંદનું મોજું

બે યોગોનો સંગમ થતાં આરાધનાઓના આધ્યાત્મિક બળમાં અનેકગણો વધારો થશે : મિત્રાનંદસાગરજી મ.સા.

અમદાવાદ તા. ૨૨ : ઘણાં વર્ષો બાદ એવું બનશે કે આધ્યાત્મિક ઉપાસનાનું સર્વશ્રેષ્ઠ પર્વ પર્વાધિરાજ પર્યુષણ અને ગુરુપુષ્યામૃતસિદ્ઘિ યોગનો સમન્વય થઈ રહ્યો છે. વિક્રમ સંવત-૨૦૭૪માં તા.૬ સપ્ટેમ્બરથી પર્વાધિરાજનો પ્રારંભ થશે અને તા.૧૩મી સપ્ટેમ્બરના રોજ સંવત્સરી આવશે. પર્વાધિરાજનો પ્રારંભ અને પૂર્ણાહુતિ બન્ને ગુરૂવારે જ થશે.

 

આ અંગે વધુ વિગતો આપતાં મુનિરાજ મિત્રાનંદસાગરજી મ.સા.એ જણાવ્યું કે આ વર્ષે વિક્રમ સંવત-૨૦૭૪, વર્ષ-૨૦૧૮માં આધ્યાત્મિક જગતના સર્વશ્રેષ્ઠ પર્વાધિરાજ પર્યુષણનો આરંભ ગુરુપુષ્યામૃતસિદ્ઘિયોગમાં થઈ રહ્યો છે. એક તરફ અધ્યાત્મ જગતનું શ્રેષ્ઠ પર્વ છે તો બીજી તરફ જયોતિષ જગતનું શ્રેષ્ઠ મુહૂર્ત છે. ઉલ્લેખનીય છે કે ગુરૂવારના દિવસે પુષ્ય નક્ષત્ર આવે તો તે 'ગુરૂપુષ્યામૃત સિદ્ઘિયોગ' બની રહે છે. આ યોગની જયોતિષશાસ્ત્રમાં ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. આ યોગને મુહૂર્તશા સ્ત્રમાં પણ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયું છે. આ રીતે સોનામાં સુગંધ ભળે એમ બે શ્રેષ્ઠ સંયોગ બની રહ્યા છે.

તેમણે જયોતિષીય ગ્રંથોના આધાર સાથે જણાવ્યું કે આ ગ્રંથો અનુસાર ગુરુપુષ્યામૃત યોગ જેમ સાંસારિક કાર્યો માટે શ્રેષ્ઠ મનાય છે તેમ આધ્યાત્મિક કાર્યો માટે પણ શ્રેષ્ઠ મનાય છે. આ રીતે આધ્યાત્મિક જગતના સર્વશ્રેષ્ઠ પર્વાધિરાજ તરીકે ઓળખાતા પર્યુષણનો આરંભ ગુરુપુષ્યામૃત સિદ્ઘિયોગમાં થઈ રહ્યો હોવાથી જૈન જગતમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. છેલ્લાં ઘણાં વરસોમાં આ પ્રકારનો અદ્ભુત યોગાનુયોગ નોંધાયો નથી.

પર્વાધિરાજમાં કરાયેલી આરાધનાઓ અનેકગણું ફળ આપનારી બની રહે છે, તો ગુરુપુષ્યામૃત યોગમાં કરાયેલી સાધનાઓ પણ અનેકગણું ફળ આપનારી બની રહે છે. આ વર્ષે આ બન્ને યોગોનો સંગમ થતાં આરાધનાઓના આધ્યાત્મિક બળમાં અનેકગણો વધારો થશે. આ યોગમાં શરૂ થઈ રહેલાં પર્યુષણ એ વાતનો પણ સંકેત આપે છે કે, આ વર્ષે જૈન સંઘોમાં અટ્ઠાઈ વગેરે તપશ્ચર્યાનું પ્રમાણ ઘણું મોટું રહેશે.(૨૧.૯)

ગુરૂપુષ્યામૃત યોગમાં  શું કરવું જોઇએ?

મુનિરાજ મિત્રાનંદસાગરજી મ.સા.એ જણાવ્યું કે પર્વાધિરાજ પર્યુષણના પ્રથમ દિવસે ગુરુપુષ્યામૃત સિદ્ઘિયોગમાં બની શકે તો ઉપવાસપૂર્વક આરાધના કરવી જોઈએ. એ ન થઈ શકે તો છેવટે આયંબિલ કે એકાસણું પણ અવશ્ય કરવું જોઈએ. જૈનધર્મમાં તપ સાથે જપનો પણ અપૂર્વ મહિમા છે. એટલે નાની-મોટી તપશ્ચર્યાની સાથે સાથે જપનો સંયોગ થાય તો સોનામાં સુગંધ ભળે. જપની વાત કરીએ તો ગુરુપુષ્યામૃતમાં 'હ્રીં નમો અરિહંતાણં'નો જપ સર્વશ્રેષ્ઠ છે. આ ઉપરાંત 'હ્રીં  નમો સિદ્ઘાણં' અને 'હ્રીં  શ્રીં આદિનાથાય નમઃ' એ જપ પણ કરી શકાય.

(10:26 am IST)