Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

અમદાવાદમાં ઝરમર વરસાદ જારી : વાતાવરણ રંગીન બન્યુ

લોકો ચોમાસાનો વરસાદી માહોલ માણી રહ્યા છેઃ અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં ભુવા, ખાડા પડવાની અને રસ્તાનું ધોવાણ થવાની વ્યાપક ફરિયાદો સપાટીએ

અમદાવાદ, તા.૨૧: હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ, અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી મેઘરાજાની મહેર ચાલુ રહી છે. આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસતાં વાતાવરણ ઠંડુ અને આહ્લલાદક બની ગયું હતું. જો કે, આજે વરસાદનું જોર હળવું રહેતાં અને ધોધમાર વરસાદ નહી પડતાં શહેરમાં કંઇ બહુ ખાસ પાણી ભરાયા ન હતી પંરતુ શહેરના કેટલાક વિસ્તારોમાં આજે પણ ભુવા, ખાડા પડવાની અને રસ્તાનું ધોવાણ થવાની ફરિયાદો ચાલુ રહેવા પામી હતી, જેને લઇ નાગરિકોએ અમ્યુકો તંત્ર પરત્વે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.  અમદાવાદ શહેરમાં છેલ્લા ચાર-પાંચ  દિવસથી વરસી રહેલા હળવા અને ઝરમર વરસાદને લઇ નગરજનો જાણે ચોમાસાના ખરા માહોલની માણી રહ્યા છે. અમદાવાદ શહેરમાં આજે સેટેલાઈટ, નવરંગપુરા, નારણપુરા, ગુરૂકુળ, થલતેજ, મેમનગર, નિકોલ, વસ્ત્રાપુર, શાહીબાગ, બાપુનગર, મકરબા, રાયપુર, દાણીલીમડા, કાલુપુર, જીવરાજપાર્ક, એસ.જી.હાઈવે, ઘુમા, વાડજ બોપલ અને વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં સવારથી ધીમી ધારે વરસાદ પડયો હતો. શહેરમાં આજે એકંદરે હળવો વરસાદ નોંધાયો હતો તો, કયાંક વરસાદના છૂટાછવાયા ભારે ઝાપટાં પણ નોંધાયા હતા. શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડા, નારોલ, હાટકેશ્વર, રામોલ, વસ્ત્રાલ, સીટીએમ, ઓઢવ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના કારણે સામાન્ય પાણી ભરાયા હતા. પરંતુ વરસાદનું જોર ઓછું હોવાથી શહેરમાં કયાંય બહુ પાણી ભરાયાની સમસ્યા જોવા મળી ન હતા. અલબત્ત,  વરસાદી વાતાવરણ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં ભુવા પડવાની, ખાડાઓ પડવાની અને રસ્તાઓના ધોવાણની વ્યાપક ફરિયાદો પણ ઉઠવા પામી હતી. આ સમસ્યાઓ પૂર્વના વિસ્તારોમાં સૌથી વધુ નોંધાઇ હતી. શહેરમાં મેઘમહેર યથાવત રહેતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. શહેરમાં આગામી તા.રપ ઓગસ્ટ સુધી વાદળછાયા વાતાવરણ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ તો આગામી તા.ર૬ અને ર૭ ઓગસ્ટ વરસાદના ભારે ઝાપટાં પડવાની આગાહી  કરાઇ છે. આ દરમ્યાન રાજ્યના મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નવસારી અને સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનાં કેટલાક વિસ્તારમાં આગામી તા.રર અને ર૩ ઓગસ્ટે ભારે વરસાદ પડી શકે છે તેવી પણ આગાહી કરાઇ છે ત્યારે રાજય સરકાર અને તંત્ર દ્વારા એનડીઆરએફની પાંચથી વધુ ટીમો તૈનાત રખાઇ છે અને અધિકારીઓને એલર્ટ પર રખાયા છે.

(9:48 pm IST)