Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

દૂધસાગર ડેરીના ચેરમેનપદે આશા ઠાકોરની પસંદગી થઇ

વિપુલ ચૌધરીની પેનલ જીતી : ભાજપ સરકારને ફટકો : વાઇસ ચેરમેનપદે મોઘજી ચૌધરી : સહકારી ક્ષેત્રમાં ફરી વાર વિપુલ ચૌધરીએ પોતાનું દિગ્ગજ કદ સાબિત કર્યું છે

અમદાવાદ, તા.૨૧ : દૂધસાગર ડેરીની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં બીજી ટર્મના ચેરમેન પદે આશા ઠાકોર અને વાઈસ ચેરમેનપદે મોઘજી ચૌધરીની જીત થઈ હતી. આજે મંગળવારે સવારે ૧૧ વાગે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં કમિટીના ૨૧ સભ્યોએ મતદાનમાં ભાગ લીધો હતો. હાઇકોર્ટના આદેશથી સીસીટીવી કેમેરા અને વીડિયોગ્રાફી સાથે હાઇકોર્ટના એડીશનલ રજીસ્ટ્રાર કક્ષાના ઓબ્ઝર્વરની હાજરીમાં બંદોબસ્ત વચ્ચે બેલેટ પેપરથી ચૂંટણી યોજાઈ હતી. સૌથી નોંધનીય વાત તો એ હતી કે, દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને રાજયના સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા વિપુલ ચૌધરીને રાજય સરકારે રાજકીય કૂટનીતિ અને કાનૂની લડાઇના સહારે સહકારી ક્ષેત્રની ચૂંટણીની સ્પર્ધામાંથી બહાર કરી દીધા હતા પરંતુ તેમછતાં દૂધસાગર ડેરીની આજની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં વિપુલ ચૌધરીની પેનલના જ આગેવાનો ચૂંટાયા હતા. દૂધસાગર ડેરીની ચૂંટણીના આજના પરિણામો એ વાસ્તવમાં ભાજપ સરકારને વિપુલ ચૌધરી દ્વારા મોટી લપડાક હતી. આજના પરિણામો પરથી સહકારી ક્ષેત્રમાં ફરી એકવાર વિપુલ ચૌધરીએ પોતાનું દિગ્ગજ કદ અને વજન સાબિત કરી દીધા છે. રાજયભરના સહકારી આલમમાં આજે વિપુલ ચૌધરી ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા હતા. આજે દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં વિપુલ ચૌધરી જૂથની પેનલ જીતતાં તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ અને ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી. પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં જીત બાદ વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, પશુપાલકોના ઉત્કર્ષ અને સહકાર ક્ષેત્રના વિકાસ માટે મારે કોઇ હોદ્દાની જરૂર નથી. હું પશુપાલકોનું ઉત્તરદાયિત્વ નિષ્ઠાથી નિભાવતો રહીશ. તેમણે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા કે, શા માટે રાજયના સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવતુ નથી અને ઉદાર મને નિર્ણયો લેવાતા નથી. સહકારી ક્ષેત્રનો વિકાસ કરવો હશે તો, સંકુચિત માનસિકતા છોડવી પડશે. બધાને સાથે રાખીને નિર્ણયો લેવા પડશે. આજે મંગળવારે દૂધસાગર ડેરીમાં સવારે ૧૧ વાગે પ્રાંત અધિકારી ભાર્ગવ પટેલની અધ્યક્ષતામાં વ્યવસ્થાપક કમિટીના સદસ્યોની બેઠક મળી હતી. જેમાં ચેરમેનના નામની દરખાસ્ત અને ટેકાની વિગતના નિયત ફોર્મેટમાં બેલેટ તૈયાર કરી બેલેટથી મતદાન થયું હતું. હાઇકોર્ટના આદેશથી એનડીડીબીના પ્રતિનિધિનો સમાવેશ કરાયો ન હતો. દૂધ સંઘની વ્યવસ્થાપક કમિટીમાં ૨૧ સભ્યો પૈકી ચૂંટાયેલા ૧૫ સદસ્યોનો સમાવેશ થતો હતો. સરકાર નિયુક્ત ૩ સભ્યો, જિલ્લા રજીસ્ટ્રાર અને આણંદ ફેડરેશનના પ્રતિનિધિ મળી ૨ સરકારી પ્રતિનિધિ અને એક એમડી નિશીત બક્ષીનો સમાવેશ થતો હતો. ડેરી સત્તામંડળથી બહાર વિપુલ ચૌધરી જૂથ હાલ સત્તામાં છે અને ચૂંટણી પૂર્વે એક સ્થળે તેમના સભ્યોનો કેમ્પ કરાયો હોવાનું જાણવા મળ્યું હતું. આજે તમામ સભ્યોને એકસાથે સીધા ડેરીમાં ચૂંટણી સમયે લાવી મતદાનમાં ભાગ લેવડાવ્યો હતો. સરકારના તમામ પ્રયાસો અને રાજકીય કૂટનીતિઓ વચ્ચે પણ વિપુલ ચૌધરીએ પોતાની સહકારી તાકાતનો પરચો આપ્યો હતો.

(7:24 pm IST)