Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ઉપવાસ આંદોલન અટકાવવા ભાજપ સરકાર અંગ્રેજ બની છે

મંજૂરી નહી અપાતાં અને પગલાં લેવાતાં પ્રહારો : આવાસે હાર્દિક પટેલને ઉપવાસ કરતા રોકવામાં આવશે તો પરિણામ ગુજરાત સરકારે ભોગવવું પડશે : માલવિયા

અમદાવાદ, તા.૨૧ : પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ તા.૨૫મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ આંદોલન કરવા જઇ રહ્યો છે પરંતુ તેને સરકાર અને તંત્ર દ્વારા નિકોલ, ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી સહિતની કોઇ પણ જગ્યાએ સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી નથી. એટલું જ નહી, પોલીસ તંત્ર દ્વારા શહેરમાં ૬૦ દિવસ માટે કલમ-૧૪૪ લાગુ કરી દેવામાં આવતાં હાર્દિકના ઉપવાસ આંદોલન પર ઠંડુ પાણી રેડી દેવાયું છે ત્યારે હાર્દિક પટેલ સહિત સમગ્ર પાટીદાર સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. તંત્ર દ્વારા કોઇ જગ્યાએ મંજૂરી નહી અપાંતા હવે આખરે હાર્દિકે વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા પોતાના ઘરે જ ઉપવાસ પર ઉતરવાનો નિર્ણય જાહેર કર્યો છે. દરમ્યાન હાર્દિક પટેલે ફરી એકવાર ટવીટ કરી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે કે, તેના ઉપવાસ આંદોલનને રોકવા માટે ભાજપ સરકાર હવે અંગ્રેજ બની ગઇ છે. હાર્દિક પટેલે જણાવ્યું કે, મને ખાતરી છે કે રામોલ કેસમાં તા.૨૫ ઓગસ્ટ પહેલાં જ મારી ધરપકડ કરી લેવામાં આવશે. તેમ છતાં હું જેલમાં જઈને ભૂખ હડતાળ પર ઉતરીશ, અને મારે જેલ જવાનું થાય તો મારા ઘરે મારા સમર્થકો ભૂખ હડતાળ પર ઉતરશે. હાર્દિકે ટ્વિટ કરી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં લખ્યું કે, ઉપવાસ આંદોલનને રોકવા અમદાવાદમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી. આશ્ચર્યની વાત છે કે સંવૈધાનિક રીતે કોઈને પણ આંદોલન કરવાનો અધિકાર છે છતાં ગુજરાતમાં ભાજપ સરકાર ભૂખ હડતાળ કરવાથી આંદોલનકારીઓને રોકી રહી છે. અન્ય એક ટ્વિટમાં હાર્દિકે લખ્યું કે, આઝાદી ખતમ!  ભાજપ સરકારના ઈશારે અમારા આંદોલનકારીઓની ધરપકડ થઈ રહી છે. ભાજપના નેતાઓ આંદોલનકારીઓને મારવાની સતત ધમકીઓ આપી રહ્યા છે. ૧૮-૨૦ વર્ષના યુવાનોને છેલ્લી ૨૪ કલાકથી જેલમાં બંધ કરીને રાખ્યા છે. ભૂખ હડતાળ રોકવા માટે ભાજપ સરકાર હવે અંગ્રેજ બની ગઈ છે. દરમ્યાન પાસના અગ્રણી ધાર્મિક માલવિયાએ સરકારને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે,કોઈપણ સ્થિતિમાં અમને ગાંધીનગરમાં પણ ઉપવાસ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. ત્યારે અમે ક્યાંય નહીં તો હાર્દિક પટેલના ઘરે ઉપવાસ પર ઉતરશું. ધમકીના સૂરમાં માલવિયાએ વધુમાં કહ્યું કે જો હાર્દિક પટેલના ઘરે પણ ઉપવાસ કરતા અટકાવવામાં આવશે તો તેનું પરિણામ સરકારે ભોગવવું પડશે.

પાસના તીખા તેવર બાદ હવે રાજય સરકાર અને પોલીસતંત્ર દ્વારા શું પગલા લેવાય છે, તેની પર સોૈની નજર મંડાઇ છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલના નિવાસસ્થાન પાસે મેદાનમાં ઉપવાસ આંદોલનને લઇ તૈયાર કરાયેલો વિશાળ શામિયાણો પણ આજે પોલીસે હટાવી લેવડાવ્યો હતો, તેને લઇને સ્પષ્ટ થઇ ગયું છે કે, સરકાર અને તંત્ર કોઇપણ ભોગે હાર્દિકને ઉપવાસ આંદોલન કરવા દેવાના મૂડમાં નથી.

(7:23 pm IST)