Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

કાલથી રાજ્યમાં ભારે વરસાદ ખાબકશે : દરિયામાં લો પ્રેસર સર્જાશે

દક્ષિણ અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર–કચ્છમાં પણ ભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહી

અમદાવાદ : દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. 23મી જુલાઇથી રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં આગામી 5 દિવસ ધોધમારની વરસાદની આગાહી કરાઈ છે. જેમાં મધ્ય ગુજરાતમાં આફતનો વરસાદ થવાની આગાહી કરાઈ છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘ મહેર થવાની આગાહી છે. સૌરાષ્ટ્ર–કચ્છમાં પણ ભારે વરસાદ પડશે. 23 જુલાઈએ દરિયામાં એક લૉ – પ્રેશર સર્જાશે. જેના કારણે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં હાલ નદી, ડેમ, ચેકડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 23મી જુલાઈથી સતત ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય આણંદ, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કપરાડામાં 5 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે ડાંગ અને ધરમપુરમાં 2-2 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં વરસાદના કારણે 11 રસ્તા બંધ થયા હોવાના પણ અહેવાલ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ 204.94 મિમી એટલે સરેરાશ 24.64 ટકા વરસાદ નોંધાયો છે. બીજી બાજુ, મંગળવારે 21 જિલ્લાના 69 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં વડોદરામાં 2 કલાકમાં 2 અને બોડેલીમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. બોડેલીમાં અઢી ઇંચ વરસાદથી જાહેર રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.

ગુજરાતભરમાં વરસાદની આગાહીને લઈ NDRFની ટીમો તાબડતોડ તૈનાત કરાઇ છે. હવામાન વિભાગની આગાહીના પગલે NDRFની ટીમો એલર્ટ પણ મુકવામાં આવી છે. રાજ્યમાં અલગ અલગ 8 જિલ્લામાં 8 ટીમો તૈનાત કરાઈ છે, જેમાં વલસાડ, નવસારી, સુરતમાં 1-1 ટીમ રહેશે. રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢમાં પણ ટીમ તૈનાત રહેશે. મોરબી અને કચ્છમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે આગામી સ્થિતિ આધારે અન્ય ટીમો મોકલવામાં આવશે.

(10:47 pm IST)