Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

માલપુર તાલુકાના મેવાડા ગામે પરણિત યુવક સગીરાને લલચાવી ડુંગર વિસ્તારમાં લઇ જતા ગ્રામજનોએ રંગે હાથે ઝડપી મેથીપાક ચખાડ્યો

માલપુર:તાલુકાના મેવાડા ગામે એક પરણીત યુવક સગીરાને લલચાવી ડુંગર વિસ્તારમાં લઈ જતો ઝડપાતાં ગ્રામજનોમાં ભાલજ રોષ ભભૂકી ઉઠયો હતો અને શખ્શ સગીરા સાથે બળજબરી શારીરિક સંબંધ બાંધવા ડુંગરે લઈ જતો હોવાની આશંકાને પગલે યુવકને માથે મુંડન કરાવી માફીપત્ર લખાવી દીધુ હતું.

માલપુર તાલુકાના પરસોડા ગામનો એક પરણીત યુવક મેવાડા ગામની સગીરાને લલચાવી ડુંગરે લઈ જતાં કેટલાક લોકોએ ઝડપી લીધો હતો. યુવક સગીરા સાથે શારીરિક સંબંધ બાંધવા ડુંગરે લઈ જતો હોવાની આશંકાને પગલે શખ્સ વિરૂદ્વ ગ્રામજનોમાં ભારે આક્રોશ ફૂટી નીકળ્યો હતો અને ગ્રામજનોના કોઈપણ પ્રશ્નનો વિશ્વાસપૂર્વક જવાબ નહી આપી શકનાર શંકાસ્પદ વર્તણૂક ધરાવતા યુવકને ટપલી દાવ થયો હતો. અને ઉશ્કેરાયેલા ગ્રામજનોએ શખ્સના માથે મુંડન કરાવી માફીપત્ર લખાવી દીધુ હતું.  સજાની ઘટના અને સંવાદ સાથેનો વીડીયો કલીપ સોશીયલ મીડીયામાં વાયરલ થઈ હતી અને વાયરલ થયેલ વીડીયોને લઈ પંથકમાં તરહ-તરહની ચર્ચાઓ ઉઠી હતી.

 જો કે માલપુર પોલીસ સબ ઈન્સપેકટર એફ.એલ.રાઠોડના જણાવ્યા મુજબ ટીમ દ્વારા સ્થળ તપાસ કરાઈ હતી. પરંતુ પ્રકરણે બંને પક્ષો સગાસંબંધી હોવાથી કોઈ ફરીયાદ નોંધાઈ નથી.

(7:11 pm IST)