Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચના કોન્‍સ્‍ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્‍યા પ્રકરણમાં સેશન્‍સ કોર્ટ દ્વારા આરોપી મનીષ બલાઇને આજીવન કેદની સજા

સરકાર દ્વારા ૬પ સાક્ષીઓ અને બચાવ પક્ષ દ્વારા ૩ સાક્ષીઓની જુબાની લેવાઇ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણાની વર્ષ 2016માં હત્યા કરવામાં આવી હતી. જેમાં આજે સેશન્સ કોર્ટે આરોપી મનીષ બલાઈને આજીવન કેદની સજા ફટકારી છે. ઉપરાંત 25 હજાર રૂપિયાનો દંડ અને આઈપીસીની કલમ 404 પ્રમાણે ત્રણ મહિનાની સજા અને બે હજાર રૂપિયાનો દંડ ફટાકર્યો છે. આદેશ પ્રમાણે આરોપીએ આ સજા એકસાથે ભોગવવાની રહેશે.

વર્ષ 2016માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચા પોલીસ કોન્સ્ટેબલ ચંન્દ્રકાન્ત મકવાણાની ઓફિસમાં હત્યા કેસમાં પકડાયેલા મનીષ ઉર્ફે મોનુ શ્રવણકુમાર બલાઈ સામેનો આજે કોર્ટમાં ચુકાદો આવ્યો છે. જેમાં આરોપીને આજીવન કેદની કોર્ટે સજા ફટકારી છે. સરકાર દ્વારા 65 સાક્ષીઓ અને બચાવપક્ષ દ્વારા ત્રણ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, ડ્રગ્સની હેરાફેરી મામલે પોલીસ મનીષ બલાઈને તપાસમાં લાવી હતી અને મોડી રાત્રે મનીષ બલાઈ પોલીસ કોન્સ્ટેબલ ચન્દ્રકાન્ત મકવાણાની હત્યા કરીને ક્રાઈમ બ્રાન્ચની પાછળના ભાગે દિવાલ કૂદી કાલુપુર રેલ્વે સ્ટેશન નાસી ગયા હતો. આરોપી ટ્રેનમાં બેસી વડોદરા મીયાણા પાસે પહોંચતા પોલીસ દ્વારા મનીષના મોબાઈલ ફોન ટ્રેસ કરીને મીયાણા પાસેથી ઝડપી લીધો હતો.

જો કે, આ તપાસ ડીસીપી બિપીન આહીરને સોંપવામાં આવી હતી.જેથી તેઓએ પોલીસ કોન્સ્ટેબલ ચન્દ્રકાન્ત મકવાણા હત્યા કેસના દસ્તાવેજોનો અભ્યાસ કરીને આરોપી મનીષ બલાઈના નાર્કો ટેસ્ટ અને સસ્પેકટ ડિટેકશન ટેસ્ટ કરાવવા માટે કરેલી અરજી મેટ્રો કોર્ટે ફગાવી દીધી હતી. બાદમાં આરોપી મનીષ સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યુ હતુ. સરકાર દ્વારા ખાસ સરકારી વકીલ તરીકે અમીત પટેલની નિમણુક કરી હતી. સરકારી વકીલ અમીત પટેલએ ફરિયાદી સહિત 65 સાક્ષીઓની જુબાની લઈને પુરાવા તરીકે કેટલાક દસ્તાવેજો રજૂ કર્યા હતા. જયારે આરોપી તરફથી એડવોકેટ કે.એન.ઠાકુરએ બચાવમાં ત્રણ સાક્ષીઓ તપાસ્યા હતા.

(6:49 pm IST)