Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

અમદાવાદમાં વ્યાજખોરીના ર કિસ્સાઃ પઠાણી ઉઘરાણીથી કંટાળીને યુવકનો આપઘાતનો પ્રયાસ : વ્યાજખોરની ધમકીથી કંટાળીને યુવકે વ્યાજખોરને જ મોતને ઘાટ ઉતારી દીધો

અમદાવાદ: વ્યાજખોરોના આતંકના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે ત્યારે અહીં તો વ્યાજખોરના કેવા હાલ થાય છે તેનો ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અહીનું અહીં ભોગવીને જવાનું છે તે કહેવતને સાર્થક કરતાં આ કિસ્સામાં વહેલી સવારે 6 વાગ્યે ઉઘરાણી કરવા ગયેલા વ્યાજખોરના જ કેવા હાલ થયા તે જોવા જેવું છે.

અમદાવાદ માં એક જ દિવસમાં વ્યાજખોરીના બે કિસ્સા સામે આવ્યા એક કિસ્સામાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવાને આપઘાત નો પ્રયાસ કર્યો છે. જ્યારે બીજા કિસ્સામાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવાને વ્યાજખોરની હત્યા કરી નાખી છે. અમદાવાદ ના ખોખરા સર્કલ પાસેના મ્યુનિસિપલ ગાર્ડન પાસેનો આ બનાવ છે. અહીં વહેલી સવારે 6 વાગ્યે વ્યાજની ઉઘરાણી કારણે એક વૃદ્ધની છરીના ઘા ઝીંકી હત્યા થઈ હતી.

આ વૃધ્ધ સુબ્રમણી રાજવેલ મુદ્દલિયાર ઉર્ફે બાલા મૂળ ફાયનાન્સર હતા પણ વ્યાજખોરીના રવાડે ચઢી ગયા અને વહેલી સવારે 6 વાગ્યે જયેશગીરી નામના વ્યક્તિ પાસે વ્યાજની ઉઘરાણી માટે આવ્યા અને ત્યારબાદ ખૂની ખેલ ખેલાયો હતો. જયેશગીરી રિક્ષામાં બેઠો અને બંને વચ્ચે બોલાચાલી થઈ અને અચાનક જયેશે છરીના ઘા ઝીંકી સુબ્રમણીને રહેંસી નાખ્યો હતો. જેના સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસે ગણતરીના સમયમાં જ હત્યારાને દબોચી લીધો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સુબ્રમણી રાજવેલ મુદ્દલિયાર ઉર્ફે બાલા મૂળ ફાયનાન્સર હતો. હાટકેશ્વર સર્કલ પાસે બેસીને વ્યાજનો ધંધો કરતો હતો. જો કોઈ વ્યાજ આપવામાં મોડુ કરે તો ઉંચી પેનલ્ટી વસૂલતો હતો. સવારના 9થી 11 વાગ્યા સુધી વ્યાજની વસૂલાત કરતો હતો. 20થી 40 ટકા જેટલું ઉંચુ વ્યાજ વસૂલતો હતો. 

સુબ્રમણી રાજવેલ મુદ્દલિયારે ઓફિસ પણ ખોલી હતી અને જો કોઈ નાણા આપવામાં મોડુ કરે તો ઓફિસમાં પોલીસની જેમ રિમાન્ડ લઈ મારતો હતો. આરોપી જયેશગીરીએ પણ વ્યાજે નાણા લીધા હતા અને તમામ રકમ વ્યાજ સાથે આપી દીધી પણ તેમ છતાં સુબ્રમણી રાજવેલ મુદ્દલિયાર ઉપરના 30થી 35 હજાર લેવાના બાકી નીકળતા હોવાથી ઉઘરાણી કરતો હતો. 

સુબ્રમણીની ઉંચી પઠાણી ઉઘરાણી અને એ પણ વહેલી સવારે 6 વાગ્યાની ઉઘરાણીથી જયેશગીરી રોષે ભરાયે અને બસ તેણે સુબ્રમણીની હત્યા કરી દીધી. હાલ પોલીસ આરોપીનો અગાઉ કોઈ ગુનાહિત ઈતિહાસ છે કે નહીં તે દિશામાં પણ તપાસમાં લાગી છે સાથે જ સુબ્રમણીની પઠાણી ઉઘરાણીવાળી વાત કેટલી સાચી છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

(5:10 pm IST)