Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

અમદાવાદ : ઝાડા ઉલ્ટીના માત્ર ૨૦ દિનમાં ૬૨૯ કેસ

કમળાના ૨૭૦ કેસ સપાટી પર આવતા ખળભળાટ : અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા જોરદાર કાર્યવાહીઃટાઇફોઇડના ૪૩૦થી વધુ કેસ નોંધાયા

અમદાવાદ, તા.૨૨ : અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના નવા કેસો સપાટી પર આવ્યા છે. એકાએક હવામાનમાં પલટા વચ્ચે હાલમાં વરસાદી માહોલ છવાયો છે. આ પહેલા ભીષણ ગરમી પડી હતી. જુલાઈ મહિનામાં તંત્ર દ્વારા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં ઝાડા-ઉલ્ટીના ૬૨૯ અને ટાઈફોઈડના ૪૩૦ કેસ સપાટી પર આવ્યા છે. કમળાના ૨૭૦ કેસ નોંધાઈ ગયા છે. ૨૦મી જુલાઈ સુધીના ગાળામાં ઝાડા-ઉલ્ટીના મોટી સંખ્યામાં કેસો સપાટી ઉપર આવતા તંત્રમાં ભાગદોડ મચી ગઈ છે. જુન ૨૦૧૯માં કોલેરાના ૧૫ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગ જેમ કે ડેન્ગ્યુ, ચિકનગુનિયાના આંકડા ઉપર નજર કરવામાં આવે તો છેલ્લા ૨૦ દિવસના ગાળામાં સાદા મેલેરિયાના સત્તાવાર રીતે ૨૭૬ કેસ અને ઝેરી મેલેરીયાના ૧૩ કેસ નોંધાઈ ગયા છે. જુલાઈ ૨૦૧૮માં ૧૬૦૮૦ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જેની સામે ૨૦મી જુલાઈ ૨૦૧૯ સુધીમાં ૮૫૯૪૬ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. આવી જ રીતે સિરમ સેમ્પલની વાત કરવામાં આવે તો જુલાઈ ૨૦૧૮માં ૩૪૦૭ સિરમ સેમ્પલની સામે છઠ્ઠી જુલાઈ ૨૦૧૯ સુધીમાં ૧૨૫૬ સિરમ સેમ્પલ લેવામાં આવી ચુક્યા છે. ચાલુ માસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેમાં ક્લોરિન ટેસ્ટ, બેક્ટીરીયોલોજીકલ તપાસ માટે પાણીના નમૂના, બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ, ક્લોરિન ગોળીઓના વિતરણ જેવા પગલા સામેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારમાં ક્લોરિન ગોળીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. ઉપરાંત નમૂનાઓના ટેસ્ટ પણ લેવાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ માસે સાવચેતીના પગલા રૂપે ૪૧૮૧૩ ક્લોરિન ગોળીઓનુ વિતરણ થયું છે.

આરોગ્ય વિભાગના પગલા

અમદાવાદ, તા.૨૨ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વર્તમાન મહિનામાં રોગચાળાને રોકવા માટે જે પગલા લેવાયા છે તે નીચે મુજબ છે.

ક્લોરિન ટેસ્ટ................................................. ૮૧૫૬

બેક્ટેરીયોલોજીક તપાસ માટે નમૂના............... ૧૧૬૫

પાણીના અનફીટ સેમ્પલની સંખ્યા...................... ૨૮

બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ કિલો...... ૧૫૯૪

ક્લોરીન ગોળીઓનું વિતરણ........................ ૪૧૮૧૩

વહીવટી ચાર્જ........................................ ૩૬૩૭૬૦૦

(9:18 pm IST)