Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

બધા લોકોને વૈશ્વિક સ્તરની આરોગ્ય સુવિધા પુરી પડાશે

આરોગ્યની સુવિધાને લઇ સરકાર કટિબદ્ધ : વિધાનસભામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની માંગણી મંજુર થઇ : નીતિન પટેલે ઉપયોગી માહિતી આપી

અમદાવાદ,તા.૨૨ :નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યના નાગરિકોને વૈશ્વિક સ્તરની આરોગ્ય સવલતો ઘર આંગણે પુરી પાડવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. છેવાડાના નાગરિકોને પણ આ સેવાઓ ઝડપથી મળે તે માટે અમે દ્રઢ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન પણ કર્યુ છે. આજે વિધાનસભા ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની ૧૦૮૦૦ કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજુ કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યુ કે, ગરીબ પરિવારોને ગંભીર બિમારીઓમાં સહાયરૂપ થવા અમારી સરકારે મા વાત્સલ્ય યોજના અમલી બનાવી છે. આ માટે આ વર્ષે ૧૦૦૦ કરોડની જોગવાઇ કરી છે. આ યોજના હેઠળ દર્દીઓને ૫ લાખની વિનામૂલ્યે સારવાર પુરી પાડવામાં આવે છે. રાજ્યની ૨૬૩૮ હોસ્પિટલોને સાંકળી લેવાઇ છે. તેમણે ઉમેર્યુ કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વર્ષે ગુજરાતના રહેવાસી હોય અને રેશનકાર્ડ ધરાવતાં ન હોય તેવા વૃધ્ધો, અનાથ બાળકો, વિધવા બહેનો-ત્યક્તા, સાધુ-સંતો, માનસિક રોગીઓ તેમજ નિઃસહાય લોકોને આવરી લેવાનો સંવેદનશીલ નિર્ણય પણ કર્યો છે. અત્યાર સુધી ૨૭૫૮ કરોડના ખર્ચે ૧૮ લાખ લાભાર્થીઓને સારવાર પુરી પડાઇ છે. એ જ રીતે આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પણ ૫ લાખનું આરોગ્ય કવચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુરૂ પાડ્યુ છે જેમા પણ રાજ્યના ૨.૨૫ કરોડ નાગરિકોને આવરી લેવાશે. આ માટે ૪૫૦ કરોડની જોગવાઇ રાજ્ય સરકારે કરી છે. પટેલે ઉમેર્યુ કે, રાજ્યના ૬.૨૫ કરોડ નાગરિકોને ૯૨૩૧ પેટાકેન્દ્રો, ૧૪૭૫ પ્રા.આ.કેન્દ્રો, ૩૬૨ સાઆ કેન્દ્રો કાર્યરત છે તથા શહેરી વિસ્તારોમાં પણ ૬ સરકારી અને ૮ જીએમઇઆરએસ મેડીકલ કોલેજો દ્વારા દર્દીઓને સારવાર પુરી પાડવામાં આવી રહી છે આ હોસ્પિટલોમાં દર્દીઓને વિનામૂલ્યે દવાઓ પુરી પાડવા માટે ૫૦૦ કરોડની જોગવાઇ કરાઇ છે તેમજ મેલેરીયા, ડેંગ્યુ, ચીકન ગુનીયા, સીઝનલ ફ્લ્યુ જેવા રોગોના નિયંત્રણ માટે ૩૧૩ કરોડની જોગવાઇ તથા પેટા કેન્દ્રો, પ્રા.આ.કેન્દ્રો, સા.આ.કેન્દ્રોના બાંધકામ માટે પણ ૧૨૯ કરોડની જોગવાઇ કરાઇ છે. પટેલે ઉમેર્યુ કે, રાજ્યના નાગરિકોને ગંભીર રોગોમાં સુપર સ્પેશ્યાલિટી સારવાર પુરી પાડવા માટે પણ અમે નક્કર આયોજન કર્યુ છે. ઉત્તર ગુજરાતના લાખો દર્દીઓને આવી સુપર સ્પેશ્યાલિટી સારવાર પુરી પાડવા માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ૨૪૨ કરોડના ખર્ચે ૧૦ માળની ૫૫૦ પથારીની સુવિધા ધરાવતી અદ્યતન સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ કરાશે એ જ રીતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પણ ૨૦૨ કરોડના ખર્ચે ૩૭૦ પથારીની સુવિધા ધરાવતી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ કરાશે.

(9:17 pm IST)