Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

અરવલ્લીના માંકરોડા નજીક ખેતરમાં ઘાસચારાના ખાનગી ડેપોમાં આગ ભભૂકી:ઘાસચારો બળીને ખાક

ખેડૂત સહિતના લોકોએ પાણીનો મારો ચલાવી આગ બુજાવવા કર્યો પ્રયાસ :ફાયર સ્ટેશન ફાળવવા માંગ

અરવલ્લી :જીલ્લામાં ભિલોડાના માંકરોડા ગામ નજીક ખેતરમાં ખાનગી માલિકીના ઘાસચારાના ડેપોમાં કોઈ કારણોસર આગ લાગતા લોકો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કરતાં નિષ્ફ્ળ રહ્યા હતા. ડેપોમાં રહેલો ઘાસચારો બળીને સંપૂર્ણપણે ખાક થતા ખેડૂત પર આભ તૂટી પડ્યું હતું.

  આ અંગેની વિગત મુજબ ભિલોડાના માંકરોડાના ભવાન પટેલ ખેડૂત સાથે પશુપાલનના વ્યવસાય સાથે પણ સંકળયેલા હોવાથી તેમના ખેતરમાં પશુઓ માટે ઘાસચારો સંગ્રહ કરવા ગોડાઉન બનાવ્યું હતું. જેમાં કોઈ કારણોસર આગ લાગતા આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ખેડૂત સહીત સ્થાનિક લોકો ખેતરમાં પહોંચી ગયા હતા અને લોકોની મદદથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન હાથધર્યા હતા. ઘાસચારો સૂકો હોવાથી થોડીક જ મિનિટોમાં ઘાસચારો આગમાં ખાક થઈ મોટુ નુકસાન થતા ખેડૂતની હાલત કફોડી બની હતી. ઉપરાંત ભિલોડા તાલુકા મથકે ફાયર સ્ટેશન ફાળવવામાં આવે તેવી માંગપણ સ્થાનિક રહીશોમાં પ્રબળ જોવા મળી હતી.

(8:46 pm IST)