Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

અમદાવાદના ઘણા ભાગોમાં પાણી કાપનો કરાયેલો નિર્ણય

ગોતા, વાડજ, રાણીપમાં ટેન્કરો મંગાવવા ફરજ : કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને અખબારનગર અંડર પાસ પસાર થતી લાઇનમાં રિપેરિંગ કામગીરી શરૂ કરાઈ

અમદાવાદ, તા.૨૨ : અમદાવાદ શહેરમાં ગરમી અને ઉકળાટની સ્થિતિ વચ્ચે આજથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે દિવસનો પાણી કાપ મુકવામાં આવ્યો છે. જેની સીધી અસર શહેરના પાંચ ઝોનમાં થતી હોવાથી આ વિસ્તારના લોકો ભારે હાલાકી અને મુશ્કેલીમાં મૂકાયા હતા. કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને અખબારનગર અંડરપાસથી પસાર થતી મુખ્ય લાઇનમાં રિપેરિંગ તેમજ જોડાણના કામકાજના કારણે બે દિવસનો પાણી કાપ મુકવામાં આવ્યો છે. શહેરના પાંચ ઝોનમાં આજે સવારથી પાણી નહી આવતા નાગરિકો ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. અમ્યુકો દ્વારા પાણી કાપના કારણે શહેરના ગોતા, વાડજ, નવા વાડજ, રાણીપ સહિતના અનેક વિસ્તારોમાં પાણીના ટેન્કરોદોડાવાની ફરજ પડી હતી.  તો, લોકો પણ જાતે પાણીના ટેન્કર મંગાવવા મજબૂર બન્યા હતા. પાણી માટે લોકો વલખા મારતા નજરે પડ્યાં હતાં. શહેરના અખબારનગર અન્ડરપાસ પાસે અને કોતરપુર વોટરવર્કસની સંલગ્ન લાઇનોમાં ભંગાણ પડતા આજથી તેના રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. બે દિવસ અગાઉથી કોર્પોરેશન દ્વારા પાણી કાપની જાહેરાત કરી દેવામાં આવી હતી. શહેરના મધ્ય ઝોન, પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન, ઉત્તર ઝોન સહિતના વિસ્તારોમાં આજે સવારથી પાણી બંધ કરવામાં આવ્યું છે. દરેક વિસ્તારના વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાંથી હયાત જથ્થા મુજબ પાણી પહોંચાડવામાં આવ્યું હતું. આવતીકાલે પણ પાણી કાપના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. કારણ કે પૂર્વ અને ઉત્તર ઝોનમાં પાણી કાપની સમસ્યા વધુ વર્તાશે. પાણી કાપના કારણે કેટલાક વિસ્તારોમાં નાગરિકોને પીવા માટે પાણીનું બોટલો તો વધુ જરૂર હોય ત્યાં પાણીના ટેન્કર મંગાવવાની ફરજ પડી હતી. અમ્યુકોના વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે લાઇનોના લીકેજની કામગીરી પૂર્ણ કરી બે દિવસમાં પાણીના સપ્લાય પૂર્વવત કરી દેવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. હાલ તો પાંચેય ઝોનના નાગરિકો અમ્યુકો યુધ્ધના ધોરણે આ રિપેરીંગ કામ પૂર્ણ કરી તાત્કાલિક પાણી ચાલુ કરી દે તેવી આશા રાખી રહ્યા છે.

(8:38 pm IST)