Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ફિલ્મ અર્જુન પટિયાલાની સ્ટાર કાસ્ટ અમદાવાદમાં

કૃતિ સનુન, દોસાન્જ અમદાવાદમાં

અમદાવાદ, તા.૨૨ : મેડડોક ફિલ્મ્સ અને ટી- સિરિઝના બેનર હેઠળ પ્રોડ્યુસ થયેલ અપકમિંગ બોલીવુડ ફિલ્મ અર્જુન પટિયાલાની સ્ટારકાસ્ટ ફિલ્મના પ્રમોશનને લઇ આજે અમદાવાદની મહેમાન બની હતી. ખાસ કરીને ફિલ્મના હીરો અને પંજાબી ગાયક એવા દિલજિત દોસાંજ અને હીરોઇન ક્રિતી સેનને ભારે આકર્ષણ જમાવ્યું હતું.  પોતાની ફિલ્મ અર્જુન પટિયાલાને લઇ દિલજિત દોસાંજ અને ક્રિતી સેનને જણાવ્યું હતું કે, અર્જુન પટિયાલા એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. ફિલ્મનું ટ્રેલર દર્શકોએ ઘણું જ પસંદ પડ્યું છે, તેનાથી અમે ઘણાં જ ખુશ છીએ. ફિલ્મ તમામ લોકોને રોમાંચિત કરી દેશે અને લોકોને હસવા પર મજબૂર કરી દેશે, ઉપરાંત ફિલ્મમાં થોડો ઈમોશનલ ટચ પણ છે. અમને આશા છે કે, ફિલ્મ દર્શકોને જરૂર પસંદ પડશે. ક્રિતી સેનન અને દિલજિત દોસાંજની સાથે ફિલ્મમાં વરુણ શર્મા જોવાં મળશે. પોતાની ફિલ્મના પ્રમોશન માટે લીડ સ્ટાર કાસ્ટ દિલજિત દોસાંજ અને ક્રિતી સેનન અમદાવાદના મહેમાન બન્યાં હતાં અને પોતાની ફિલ્મ અંગે રસપ્રદ વાતો કરી હતી. આ ફિલ્મમાં દિલજિત એક પોલીસ ઓફિસરના રોલમાં છે અને વરુણ તેનો સાથી પોલીસ ઓફિસર છે. ફિલ્મમાં ક્રિતીનું પાત્ર ટીવી ચેનલની ક્રાઇમ રિપોર્ટરનું છે. ફિલ્મમાં દિલજિત અર્જુન પટિયાલાના રોલમાં, વરુણ શર્મા ઓનિડા સિંહના રોલમાં અને ક્રિતી રીતુ રંધાવાના પાત્રમાં દેખાશે. આ ફિલ્મ ડિરેક્ટર રોહિત જુગરાજ દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યું છે. દિલજિત દોસાંજ, ક્રિતી સેનન અને વરુણ શર્મા સિવાય અર્જુન પટિયાલા ફિલ્મમાં રોહિત રોય પણ જોવા મળશે. આ સિવાય સુંદર અભિનેત્રી સની લિઓની પણ એક સોન્ગમાં નજરે પડશે. અર્જન પટિયાલા ફિલ્મ તા.૨૬ જુલાઈ, ૨૦૧૯ શુક્રવારના રોજ ભારતભરના સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે. પોતાની ફિલ્મ વિશે જણાવતાં દિલજિત દોસાંજ અને ક્રિતી સેનને જણાવ્યું હતું કે, અર્જુન પટિયાલા એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે, જેમાં કોમેડીની સાથે સાથે ઇમોશનલ અને સામાજિક પાસાઓને આવરી લેવાયા હોઇ લોકોને ફિલ્મ જોવાની મજા આવશે. અત્યારથી જ  ફિલ્મનું ટ્રેલર દર્શકોએ ઘણું જ પસંદ આવી રહ્યુ છે, તેનાથી અમે ઘણાં જ ખુશ છીએ.

(8:36 pm IST)