Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

પાક વીમા બાબતે વિધાનસભામાં પોણો કલાક ચર્ચા : સરકાર પર કોંગીની તડાપીટ

ગાંધીનગર, તા. રર : આજે વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમ્યાન પાક વીમાના પ્રશ્ને કોંગ્રેસના શૈલેષ પરમાર દ્વારા પાક વીમાની રકમ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળતી નથી તેના જવાબમાં કૃષિમંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું કે, આમાં કોઇ ગેરરીતિ થતી નથી.

પાક વીમાના પ્રિમિયમ પેટે ટેન્ડરની મળેલ કંપનીના પ્રિમિયમ દરમાંથી ખેડૂતો તરફથી ભરવામાં આવેલ પ્રિમિયમ દર બાદ કરતા બાકી રહેલ પ્રિમીયમ દરમાં રાજય અને કેન્દ્ર સરકારશ્રીનો પ૦%-પ૦% હિસ્સો છે.

આ પ્રશ્ને કોંગ્રેસના બ્રિજેશ મેરજા, ભીખાભાઇ જોષી, પ્રતાપ દુધાત, લાખાભાઇ ભરવાડ, વિક્રમ માડમ, અમીત ચાવડા, હર્ષદ રીબડીયા, લલિત વસોયા વગેરે સભ્યોએ ચર્ચા કરી આકરા પ્રહારો કર્યા હતાં.

આ પ્રશ્ને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ દરમ્યાનગીરી કરી સંતોષકારક જવાબ આપવાનો પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો, આમ છતા વિપક્ષના સભ્યને સંતોષ ન થતા ઉગ્ર ચર્ચાઓ કરી હતી.

વિપક્ષ દ્વારા ખેડૂતોને પાક વીમાની રકમ અછતની પરિસ્થિતિમાં મળતી નથી. અમારી રજૂઆત છે કે વીમાની પ્રાઇવેટ કંપનીઓ હજારો કરોડનું પ્રિમિયમ લેવામાં આવે છે તો ભારત સરકારની કોઇ કંપની હોવી જોઇએ જેથી સરકારની સિધિ દેખરેખ હોય તો ખેડૂતોને સીધો લાભ મળી શકે.

આજે ગૃહમાં વિધાનસભાના અધ્યક્ષે ગૃહમાં જે સભ્યોની ચર્ચા કરવી હોય તેને પૂરેપૂરી તક આપી હતી. એક તબક્કે અધ્યક્ષે હસ્તા કહ્યું કે પાક વીમાના પ્રશ્ને પૂરેપૂરી ચર્ચા થવી જોઇએ. આમ આ પ્રશ્ને ગૃહના ઇતિહાસમાં પ્રથમ વખત ૪પ મિનિટ કરતા વધારે સમય ચર્ચા ચાલી હતી.

(4:10 pm IST)