Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

સુરતના અગ્નિકાંડમાં ૨૨ માસુમોના મોતના ૫૯ દિવસઃ ૧૧ આરોપીઓ સામે ચાર્જશીટ મુકાશે

૩૫૦૦ પાનાના ચાર્જશીટમાં ૧૫૦થી વધુ સાક્ષીઓ... બિલ્ડર, ટયુશન કલાસીસ સંચાલક, સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગના ૧૧ની ધરપકડઃ ૩ ફરાર

રાજકોટ, તા. ૨૨ :. સમગ્ર દેશભરમાં હાહાકાર મચાવનાર સુરતના તક્ષશિલા આર્કેડના અગ્નિકાંડમાં ૨૨ માસુમોના કરૂણ મોત નિપજ્યા હતા. આ ગોઝારી ઘટનાને આજે ૫૯ દિવસ થયા છે. સુરત પોલીસ આજે ૧૧ તહોમતદારો સામે કોર્ટમાં ચાર્જશીટ કરી રહી છે.

સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં બિલ્ડર, મહાનગરપાલિકા અને ડીજીવીસીએલની ગંભીર લાપરવાહીથી બનેલી દુર્ઘટનામાં ૨૨ વિદ્યાર્થીઓના કરૂણ મોત નિપજ્યા હતા.

સુરતના સરથાણા જકાતનાકા પાસે તક્ષશિલા આર્કેડમાં ૨૪ મે ના શુક્રવારે આગની ઘટના બની હતી. આ ઘટનામાં ગંભીર બેદરકારી બહાર આવતા સરથાણા પોલીસમાં ગુનો નોંધાયો હતો. જેની તપાસ ક્રાઈમ બ્રાંચના એસીપી શ્રી આર.આર. સરવૈયાને સોંપવામાં આવી હતી.

ક્રાઈમ બ્રાંચે કલાસીસ સંચાલક ભાર્ગવ બુટાણી, હરસુર વેકરીયા, જીજ્ઞેશ પાઘડાળ, સવજીભાઈ પાઘડાળ, બિલ્ડર રવિન્દ્ર કહાર, સુરતના કાર્યપાલક ઈજનેર પરાગ મુનશી, જયેશ સોલંકી, ફાયર બ્રિગેડના એસ.કે. આચાર્ય, કિર્તીભાઈ મોઢ, ડેપ્યુટી ઈજનેર વિનુભાઈ પરમાર, ડીજીવીસીએલના નાયબ ઈજનેર દિપકભાઈ નાયકની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા.

ક્રાઈમ બ્રાંચ દ્વારા ૧૧ આરોપીઓ સામે કોર્ટમાં ૩૫૦૦થી વધુ પાનાનુ ચાર્જશીટ રજુ થઈ રહ્યુ છે. આ અગ્નિકાંડમાં ૧૫૦થી વધુ સાક્ષીઓના નિવેદન નોંધાયા છે. ત્રણ આરોપીઓ ફરાર થઈ છે.

(3:56 pm IST)