Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

આઇપીએસ કક્ષાએ બઢતી-બદલીની ચર્ચા સાથે આ પ્રકરણની પણ ગરમા-ગરમ ચર્ચા

એસીબીએ એક ચકચારી કૌભાંડમાં ઉચ્ચ અધિકારી સામે તપાસની ગાંધીનગર માટે મંજુરી માંગી ? : વિધાનસભાનું સત્ર પુર્ણ થયે તુર્ત જ આઇપીએસની બદલીઓ કરવી કે ઓગષ્ટ સુધી રાહ જોવી? અવઢવ

રાજકોટઃ વિધાનસભાનું સત્ર હવે તુર્તમાં જ પુર્ણ થવાનું છે ત્યારે બઢતી-બદલીની આતુરતાથી વાટ જોઇ રહેલા આઇપીએસ અધિકારીઓ ફરીથી બઢતી-બદલીની ચર્ચા સાથે કોણ કયાં મુકાશે ? કોનું રાજકીય કનેકશન કેવુ છે? કોણ વધુ નજીક છે? તેનું પોસ્ટમોર્ટમ કરવા સાથે પોતપોતાની રીતે આવતા માસે સુરતના પોલીસ કમિશ્નર સતીષ શર્માની નિવૃતીથી ખાલી પડનાર જગ્યા પર મુકાનારા સંભવીત આઇપીએસ સહિત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને રાજકોટ જેસીપીની ખાલી જગ્યા માટે નામોન ચર્ચાઓ વચ્ચે એક વાત એવી પણ જાણવા મળે છે કે આઇપીએસના બદલી રાઉન્ડ પહેલા રાજય સરકાર આઇએએસ અધિકારીઓની બદલીઓ પ્રથમ કરશે.

વિધાનસભાના સત્રની સમાપ્તી પછી સિનીયર-જુનીયર કક્ષાના આઇપીએસ અધિકારીઓની બઢતી-બદલીની કાર્યવાહી  હાથ ધરવા સાથે, ગાંધીનગરમાં ઉચ્ચ કક્ષાએ એ વિચારણા ચાલે છે કે બદલી-બઢતીના મામલામાં ઓગષ્ટ માસ સુધી રાહ જોઇ સુરત સીપીની નિવૃતી બાદ તમામ હુકમો સાથે કરવા જો કે બદલીઓમાં જેનો અવાજ રહે છે તેવા દિલ્હીના નજીકના અધિકારીઓ તથા રાજય સરકારની નજીકના આઇપીએસ અધિકારીઓ સુરતને બાકી રાખીને બઢતી-બદલી ઓર્ડરો કરવાના મતના છે. જોઇએ હવે આ બાબતે આખરી નિર્ણય શંુ કરવામાં આવે છે? 

આઇપીએસ કક્ષાએ અન્ય એક બાબત  પણ ચર્ચાના ચકડોળે ચડી છે. સુરતના એક ચકચારી  મામલાની એસીબી તપાસ દરમિયાન  એક ઉચ્ચકક્ષાના અધિકારીનું નામ શંકાના પરીૅઘમાં આવ્યાનું અને આ અધિકારી  વિરુધ્ધ તપાસ કરવા માટે એસીબી દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયની મંજુરી મંગાયાની ચર્ચાએ  ભારે જોર પકડયું છે. ઉકત બાબતે સતાવાર રીતે કોઇ કંઇ કહેવા તૈયાર નથી. આઇપીએસ  વર્તુળોમાં આ બાબત હોટ ટોપીક બની છે.

(12:26 pm IST)