Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ગુજરાતમાં બનાવટી નોટો બિહાર-નેપાળ બોર્ડરથી ઘુસે છેઃ મનોજ શશીધર

પંચમહાલમાંથી ઝડપાયેલ લાખો રૂપીયાની બનાવટી નોટોના પ્રકરણમાં ધડાકોઃ બિહારના એક શખ્સને ઝડપી રિમાન્ડ પર લેવાયોઃ પંચમહાલ આઇજી સાથે અકિલાની વાતચીતઃ નકલી નોટોના બદલામાં અસલી નોટોની ડીલીવરી લેવા ગુજરાત આવેલા નંદકિશોર ઠાકુરની સઘન પુછપરછઃ બિહાર જવા ગુજરાત પોલીસ ટીમ રવાના

રાજકોટ, તા., રરઃ તાજેતરમાં પંચમહાલ જીલ્લામાંથી લાખો રૂપીયાની ચલણી નોટો મળી આવવાના મામલામાં રેન્જ આઇજીપી મનોજ શશીધર મૂળ સુધી પહોંચતા ગુજરાતમાં ચલણી નોટો ઘુસાડવાનું ષડયંત્ર બિહાર અને નેપાળની બોર્ડરથી થતું હોવાનું ખુલવા સાથે નકલી નોટોના બદલે અસલી નોટો લેવા આવેલા બિહારના નંદકિશોર રામપ્રસાદ  ઠાકુર સહિત બે શખ્સોને ઝડપી લઇ સઘન પૂછપરછ  કરવા સાથે ગુજરાતમાં અન્ય કયા કયા સ્થળે બનાવટી નોટોની ડીલેવરી થઇ છે તે મામલાની તપાસનો ધમધમાટ શરૂ થયાની બાબતને અકિલા સાથેની વાતચીતમાં પંચમહાલ રેન્જના એડીશ્નલ ડીજી કક્ષાના સિનીયર આઇપીએસ મનોજ શશીધરે સમર્થન આપ્યું છે.

 અકિલા સાથેની વિશેષ વાતચીતમાં મનોજ શશીધરે જણાવેલ કે બિહારના નંદકિશોર ઠાકુરને ૪ દિવસની રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. રિમાન્ડ દરમિયાન બિહારમાંથી તેને કોની પાસેથી બનાવટી નોટો મેળવી અને કયાં કયાં ડીલીવર થઇ છે  તથા ગુજરાતના અન્ય એજન્ટોના નામો કઢાવવા આકરી પુછપરછ ચાલી રહી છે. રેન્જ વડા મનોજ શશીધરે વિશેષમાં એવું પણ જજ્ઞાવ્યું છે કે કેટલીક ચોંકાવનારી હકિકતો મળતા પોલીસની વિશેષ ટીમો ગુજરાતથી બિહાર રવાના કરવામાં આવી છે.

અત્રે યાદ રહે કે વડોદરા જીલ્લાના ડેસર તાલુકાના ગોપરી ગામના રમણસિંહ જાદવ, ગોધરા તાલુકાના નાકરેજી ગામના જગદીશ ચૌહાણ અને અમરેસર ગામના નટવરસિંહ ચૌહાણને ગોધરાના એસઓજીએ વિવિધ રકમોની બનાવટી ચલણી નોટો તથા મારૂતી કાર સાથે ઝડપી લીધા હતા. ઉકત આરોપીઓના મોબાઇલ ડેટાની ચકાસણી હાથ ધરી તેની પાસેથી સમગ્ર ષડયંત્રની વિગતો બહાર લાવવા માટે એ ત્રણેય આરોપીઓને પણ રિમાન્ડ પર લેવાયેલા.

આ રિમાન્ડ દરમિયાન જ બિહાર કનેકશન અને નેપાળ બોર્ડરથી નોટો ગુજરાતમાં ઘુસતી હોવાનું અને આ પ્રકરણમાં ડીલીવરી કરવા અને નકલી નોટોના બદલામાં અસલી નોટો લેવા આવતા બિહારના નંદકિશોર ઠાકુર અને ખેડા જીલ્લાના મુવાડા ગામના અજીતસિંહ પરમારનું નામ ખુલવા પામ્યું હતું.

(12:26 pm IST)