Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ક્રાઇમ સિરિયલ જોઈ ઘડ્યો પૈસા પડાવવા પ્લાન : કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારને આપી ધમકી: બારડોલીની પ્રવિણાની ધરપકડ

કેબિનેટમંત્રીને બદનામ કરવાની ધમકી આપી દોઢ કરોડની ખંડણી માંગી

સુરત :રાજ્યના કેબિનેટ મંત્રી  ઈશ્વર પરમારને બારડોલીની મહિલા દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપતો પત્ર મોકલાયો હતો જેના સંદર્ભે પોલીસે તપાસ કરી બારડોલીની યુવતીની ધરપકડ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે

કેબિનેટ મંત્રીને લેટર દ્વારા બદનામ કરી જાનથી મારીનાખવાની ધમકી આપી દોઢ કરોડની ખંડણી માંગી હતી જોકે બારડોલી પોલીસની તપાસ બાદ બારડોલીની પ્રવીણા મૈસુરીયાની ધરપકડ કરાઈ છે આ મહિલાની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો એવી રીતનો આવ્યો છે કે ટીવી પર ક્રાઇમ સિરિયલ જોઈને મંત્રીની પાસેથી રૂપિયા કઢાવવા માટે આ કરાસ્તાન કર્યું હોવાનું બહાર આવ્યું છે.

બારડોલીના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારને અજાણી મહિલા દ્વારા બે અલગ અલગ લેટર મોકલી બદનામ કરી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી દોઢ કરોડની ખંડણી માંગી હતી પરંતુ મંત્રીના ક્લાર્કની ફરિયાદ બાદ બારડોલી પોલીસ સહિત જિલ્લા પોલીસ આવી હરકતમાં આવી અને ટાઉનમાં અલગ અલગ જગ્યાના સી.સી.ટીવી ચેક કરતા અજાણી મહિલાની ઓળખ થઇ હતી.

સુરતના બારડોલીમાંએક અજાણી મહિલા દ્વારા બારડોલીના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર ને બે અલગ અલગ ચિઠ્ઠી મળી હતી.ચિઠ્ઠીમાં મંત્રી ઈશ્વર પરમારને બદનામ અને બદનક્ષી કરવાની ધમકી આપી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપિયા દોઢ કરોડની ખંડણી માંગી હતી.આ લેટર બૉમ્બ બાદ મંત્રીના ક્લાર્ક દ્વારા બારડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને બારડોલી પોલીસ હરકતમાં આવી હતી.

મંત્રીના કલાર્ક અને બારડોલીના શાસ્ત્રીનગરમાં રહેતા સુરેશ માનસિંગ પરમારની ફરિયાદ બાદ બારડોલી પોલીસ સહિત જિલ્લા પોલીસની ટીમ કામે લાગી હતી અને અલગ અલગ સી.સી.ટીવી ફૂટેજ ચેક કરતા બારડોલીના શાંતિ નિકેતન વિસ્તારમાં સી.સી.ટીવી ચેક કરતા જે દ્રશ્ય બહાર આવ્યા એ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બારડોલી ટાઉનમાં આનંદનગર સોસાયટીમાં રહેતી પ્રવીણા મૈસુરીયા મંત્રીના મિત્રનાં ઘરે લેટર નાખતા સી.સી.ટીવી કેમેરામાં કૈદ થઇ હતી અને બસ આ જ ફૂટેજ ગળાનો ગાળિયો બની ગયો.પોલીસે તાબડતોડ મહિલાની ધરપકડ કરી પૂછપરછ કરી અને સમગ્ર કિસ્સો બહાર આવી ગયો.

જે મહિલા બારડોલી પોલીસના હાથે ઝડપાઇ એ મહિલાનું પરિવાર આર્થિક રીતે સુખી સંપન્ન પરિવાર છે.પરંતુ મહિલાના આ કારસ્તાનથી પરિવાર પણ આઘાતમાં છે. પોલીસની વાત માનીએ તો આ મહિલા સતત ટીવી પર આવતી ક્રાઇમ સિરિયલ જોતી હતી અને એનાથી પ્રેરાઈને આ આખું સડયંત્ર રચી નાખ્યું પરંતુ કહેવાય છેકે ખોટા કામનો અંજામ ખોટો આવે છે એ રીતે મહિલા પોલીસની ગિરફ્તમાં આવી ગઈ અને તેનો ભાંડો ફૂટી ગયો હતો.

સુરત ગ્રામ્ય ડી.વાય.એસ.પી રૂપલ સોલંકીએ માહિતી આપતા જણાવ્યું કે કેબિનેટ કક્ષાના મંત્રીને એક સામાન્ય મહિલા દોઢ કરોડો રૂપિયાની ખંડણી અને પરિવારને જાનથી મારીનાખવાના મુદ્દે પોલીસ દ્વારા મહિલાની પૂછપરછ હાથ ધરાઈ છે મહિલાના આ કૃત્યમાં અન્ય કોઈનો હાથ છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. જો આ કેસમાં અન્ય કોઈ સંડોવાયેલા હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામા આવશે. મહિલાએ ટીવી સિરિયલો જોઈ ષડયંત્ર રચ્યું અને આર્થિક રીતે તંગી હોવાના કારણે આ કારસ્તાન કર્યું હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ આવી રહ્યું છે

(10:02 pm IST)