Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘમહેરથી ખુશીની લહેર

કચ્છ અને રાજકોટ નજીક વિજળી પડતા બેના મોત થયા : રાજકોટ, જામનગર, અમરેલી, સુરત, અંબાજી, ખેડબ્રહ્મા સહિતના શ્રેણીબદ્ધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ : અતિભારે વરસાદની જારી કરાયેલી ચેતવણી

અમદાવાદ, તા. ૨૧ : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવતરીતે જારી રહી છે. કેટલાક ભાગોમાં ત્રણ ઇંચ સુધીનો વરસાદ થયો છે. કચ્છના અબડાસા નજીક વિજળી પડતા એકનું મોત થયું છે. વરસાદી માહોલ અકબંધ રહેતા ખેડૂત સમુદાયમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. બીજી બાજુ હવામાન વિભાગ તરફથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ અતિભારે વરાસદની ચેતવણી જારી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર યથાવત રહી હતી. સૌરાષ્ટ્રના જે ભાગોમાં આજે ભારે વરસાદ થયો હતો તેમાં અમરેલી, રાજકોટ, જૂનાગઢ, જામનગરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ ઉપરાંત સુરત, વડોદરામાં પણ ભારે વરસાદ થયો છે. બનાસકાંઠા અને સાબરકાંઠાના વિવિધ ભાગોમાં પણ ભારે વરસાદ પડ્યો છે. વરસાદના કારણે જનજીવન ઉપર પણ અસર થઇ છે. પ્રાપ્ત અહેવાલ મુજબ બગસરામાં અઢી ઇંચ જેટલો વરસાદ થયો છે જ્યારે લાઠીમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો છે. લિલિયામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો છે. સાવરકુંડલામાં બે ઇંચ જેટલો વરસાદ થયો છે. લાઠીમાં ગાગડિયા નદીમાં લપસી જવાથી એકનું મોત થયું છે. અંબાજી, ડિસા, અમીરગઢમાં પણ વરસાદી માહોલ રહ્યો છે. ટૂંકા વિરામ બાદ વરસાદના કારણે ખુશીનું મોજુ ફરી વળ્યું છે. હવામાન વિભાગ તરફથી જાણવા મળ્યું છે કે, હજુ વરસાદી માહોલ અકબંધ રહેશે. આજે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ઉલ્લેખનીય વરસાદ થયો હતો. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ઘણી જગ્યાઓ વરસાદ થયો છે. મોર્નિંગ સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર ઉપર પ્રવર્તી રહી છે અને આ સ્થિતિ આગળ વધતાં વરસાદની સંભાવના દેખાઈ રહી છે. મધ્યમથી હળવા વરસાદી ઝાપટા સાબરકાંઠા અને બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ અને પંચમહાલ પણ જારી રહી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, કચ્છમાં પણ વરસાદી ઝાપટાની સંભાવના દર્શાવવામાં આવી છે. આજે સૌથી વધારે વરસાદ લિલિયા અને લાઠીમાં થયો હતો. બંને જગ્યાઓએ બે ઇંચથી વધુ વરસાદ થયો છે. લિલિયામાં ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડી ગયો છે. વરસાદી માહોલ અકબંધ રહેવાની સંભાવના તંત્ર તરફથી દર્શાવવામાં આવ્યા બાદ તંત્ર સાવચેત છે. ધાર્મિક વિસ્તાર ગણાતા શામળાજી, ખેડબ્રહ્મા અને અંબાજીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ તમામ જગ્યાઓએ દર્શન કરવા માટે દરરોજ પહોંચે છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થયો છે. રાજકોટમાં વિજળી પડતાં એકનું મોત થયું હોવાના અહેવાલ મળ્યા છે. વરસાદના લીધે ચેકડેમમાં નવી આવક થઇ છે. જામનગરના કાલાવાડમાં પણ ધોધમાર વરસાદ થયો છે. રાજકોટમાં ભારે વરસાદના કારણે કેટલાક વાહનો તણાઈ ગયા હતા.

(9:28 pm IST)