Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

ગુજરાત યુનિ.ની વિદ્યાર્થીનીએ મહિલા ગાઇડ પર જાતીવાદ-ટીપ્‍પણી સહિતના આક્ષપો સાથે ફરીયાદ નોંધાવતા ચકચાર : તપાસ માટે ઇન્‍કવાયરી કમિટીની રચના

ગુજરાત યૂનિવર્સિટીના સોશિયલ સાયન્સ ડિપાર્ટમેન્ટની MPhilની એક વિદ્યાર્થિનીએ પત્ર લખીને રિસર્ચ ગાઈડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થિનીએ આરોપ મુક્યો છે કે, ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર જે તેના ગાઈડ છે, તે જાતિવાદી ટિપ્પણી કરતા હતા અને તેની પાસે ઘરના કામ પણ કરાવતા હતા. આ સિવાય એક મહિનામાં MPhil પુરું કરવા માટે 50000 રુપિયા પણ માંગ્યા હતા.

લેટરમાં લખ્યું છે કે, મેં ઓગસ્ટ, 2016માં રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું અને આ પ્રોફેસરને મારા ગાઈડ તરીકે નીમવામાં આવ્યા હતા. તે જાહેરમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને મારું અપમાન કરતા હતા અને કહેતા હતા કે હું નીચલી જાતિની છું. તે મને રિસર્ચના કામના બહાને ઘરે બોલાવીને તેમના ઘરના કામ કરાવા હતા, જેમ કે વાસણ ધોવડાવવા અને પોતું મારવું.

આ લેટરની કૉપી શિક્ષણ મંત્રી અને મિનિસ્ટર ઓફ સોશિયલ વેલફેરને પણ મોકલવામાં આવી છે. લેટરમાં વધુમાં લખ્યું છે કે, તેમના ઘર માટે નાસ્તો અને શાકભાજી લાવવી, તેમના બાળકને સ્કૂલ અને ટ્યુશન ક્લાસમાં મુકવા જવાનું અને લેવા જવાનું, બેન્કના અમુક કામ મારે કરવા પડતા હતા. આટલું બધું કરવા છતા તે મને ધમકી આપતા હતા કે, તે મારું રિસર્ચ પુરું નહીં થવા દે. દીકરાની ગંભીર બીમારીનું બહાનુ કાઢીને તેમણે મારી પાસેથી 50000 રુપિયા પણ માંગ્યા હતા અને કહ્યુ હતું કે, તે એક મહિનામાં MPhilનું રિસર્ચ વર્ક પતાવી દેશે.

યૂનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલ દ્વારા આ આરોપોની તપાસ કરવા માટે એક ઈન્ક્વાયરી કમિટી તૈયાર કરવામાં આવી છે. GUના વાઈસ ચાન્સલર હિમાંશુ પંડ્યાએ કહ્યું કે, અમને લેટર મળ્યો છે અને શનિવારના રોજ અમે કાઉન્સિલ સમક્ષ સમસ્યા રજુ કરી છે. સ્ટુડન્ટ દ્વારા મુકવામાં આવેલા આ આરોપોની તપાસ કરવામાં આવશે. કમિટી રિપોર્ટ સબમિટ કરશે પછી અમે યોગ્ય પગલાં લઈશુ.

(6:58 pm IST)