Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર:સુરતમાં ભારે વર્ષા

સુરતના પરબત પાટીયામાં ખાડીના પાણી ઘૂસ્યા:છેલ્લા ૨૪ કલાકમાં અનેક વિસ્તારોમાં વરસાદ :ચોર્યાસી, બારડોલી, પલસાણા સહિતના વિસ્તારોમાં પાંચ ઇંચ વર્ષા

અમદાવાદ, તા.૨૨:ગુજરાત રાજયમાં આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના પંથકોમાં મેઘરાજાની મહેર ચાલુ રહી હતી. ખાસ કરીને સુરત જિલ્લામાં વરસાદનું જોર વધુ નોંધાયું હતું. સુરતમાં ભારે વરસાદને પગલે સ્થાનિક ખાડીઓમાં પાણીનું જળસ્તર નોંધનીય રીતે વધ્યું હતું અને કાંકરા અને મીઠી ખાડીએ ભયજનક સપાટી વટાવી દેતાં પરવત પાટિયાની સરસ્વતી સ્કૂલ સહિતની ત્રણ સ્થાનિક શાળાઓ ખાડીના પાણીમાં ડૂબી હતી. માત્ર શાળાઓ જ નહી પરવત પાટિયા અને તેની આસપાસના વિસ્તારોમાં લોકોના ઘરો-દુકાનો અને બજારોમાં પણ ખાડીના પાણી ફરી વળ્યા હતા, જેને લઇ સ્થાનિક લોકો ભારે હાલાકીનો ભોગ બન્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ માંગરોળમાં છ ઇંચથી વધુ નોંધાયો હતો. આ જ પ્રકારે ચોર્યાસી, બારડોલી, પલસાણા સહિતના વિસ્તારોમાં પણ પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. બીજીબાજુ, ગીરસોમનાથમાં મેઘરાજાએ વિરામ લેતાં તંત્ર દ્વારા હવે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. એટલું જ નહી, ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સ્થાનિક કીમ નદી જાણે ગાંડીતૂર બની હતી. મોટા બોરસરાથી નરોલી જતા માર્ગ પુલિયા પર પાણી ફરી વળતાં તે બંધ થઇ ગયો હતો. જેને પગલે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. સુરતમાં ભારે વરસાદના કારણે માંડવીના કાંકરાપાર ડેમમાં વરસાદી નવા નીર આવ્યા છે. આ જ પ્રકારે રાજયના ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. પંચમહાલ-દાહોદમાં ભારે વરસાદને લઇ ત્રણ સ્થાનિક ડેમોમાં નવા નીરની આવક થઇ હતી. તો, અરવલ્લીમાં પણ નોંધપાત્ર વરસાદના કારણે સ્થાનિક મેશ્વો ડેમની સપાટીમાં એક સે.મી જેટલો વધારો થઇ રહ્યો છે. રાજયના સંખ્યાબંધ તાલુકાઓમાં આજે પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. જો કે, વરસાદનું જોર પાછલા સપ્તાહ કરતાં ઓછું જોવા મળી રહ્યું છે. રાજયમાં ચોમાસાની સીઝનનો કુલ વરસાદ ૫૨ ટકાથી વધુ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના ક્ષેત્રમાં ૭૦.૫૨ ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાંના કેટલાક તાલુકાઓમાં તો, ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી ચૂકયો છે. સૌથી ઓછો વરસાદ કચ્છમાં નોંધાયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વરસાદના હળવા છાંટાનોંધાયા હતા. તો ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, ધનસુરા, હિમંતનગર, બાયડ, મોડાસા, પાલનપુર સહિતના પંથકોમાં આજેપણ છૂટોછવાયો વરસાદ ચાલુ રહ્યો હતો. અરવલ્લી પંથકમાં તો ભારે વરસાદના કારણે માર્ગોપર વરસાદી પાણી ફરી વળ્યા હતા અને નીચાણવાળા વિસ્તારમાં ખાસ્સા પાણી ભરાઇ ગયા હતા. સૌરાષ્ટ્ર પંથકના રાજકોટ સહિતના કેટલાક વિસ્તારોમાં પણ આજે મેઘમહેર જોવા મળી હતી.

૨૪ કલાકમાં વરસાદ

        અમદાવાદ, તા. ૨૨:દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં ક્યાં કેટલો વરસાદ થયો તે નીચે મુજબ છે.

સ્થળ........................................... વરસાદ (ઇંચમાં)

માંગરોળ.................................................... છ ઇંચ

ચોર્યાસી....................................... પાંચ ઇંચથી વધુ

બારડોલી..................................... પાંચ ઇંચથી વધુ

પલસાણા..................................... પાંચ ઇંચથી વધુ

(9:14 pm IST)