Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

અમદાવાદની ગ્રામ્ય ફોરમમાં પ્રમુખ પદની જગ્યા હજુ ખાલી

હાલ ઇન્ચાર્જ હવાલાથી કામ ચલાવાઇ રહ્યું છે : ગ્રાહકોના મહત્વના કેસોની સુનાવણી વિલંબિત થઇ રહી છે : સત્તાધીશોને તાત્કાલિક જગ્યા ભરવાની માંગ કરાઇ

અમદાવાદ, તા.૨૧ : અમદાવાદ શહેરની બંને ગ્રાહક ફોરમ તેમ જ અમદાવાદ ગ્રામ્ય ગ્રાહક ફોરમમાં ગ્રાહકો દ્વારા દાખલ થતી વિવિધ ફરિયાદોનો ભરાવો થઇ રહ્યો છે અને તેઓને ઝડપી ન્યાય મળતો નથી ત્યારે અમદાવાદ ગ્રામ્ય ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ આર.એમ.પરમારે પ્રમુખપદેથી રાજીનામું આપી દેતાં સ્થિતિ વધુ કફોડી બની છે. રાજય સરકારે હાલ ગુજરાત રાજય ગ્રાહક તકરાર નિવારણ કમીશન(સ્ટેટ કમીશન) કોર્ટ નં-૨માં પ્રિસાઇડીંગ સભ્ય તરીકે નિમણૂંક કરી છે, પરંતુ ગ્રામ્ય ગ્રાહક ફોરમમાં ઇન્ચાર્જ પ્રમુખની નિમણૂંક કરતાં તેઓ માત્ર સપ્તાહમાં બે દિવસ જ આ જવાબદારી સંભાળી રહ્યા છે, તેને લઇ ગ્રાહકોની ફરિયાદો અને કાનૂની કાર્યવાહી વિલંબિત થઇ રહી છે. ખાસ કરીને ગ્રાહકો ભારે હાલાકીનો ભોગ બની રહ્યા છે તે મુદ્દે આજે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે આજે રાજયના મુખ્યમંત્રી સહિતના સંબંધિત સત્તાવાળાઓને પત્ર પાઠવી તાત્કાલિક ધોરણે અમદાવાદ ગ્રામ્ય ગ્રાહક ફોરમમાં નવા પ્રમુખની નિમણૂંક કરવા માંગણી કરી છે. સ્ટાફના અભાવે ગ્રાહકોના કેસોને અસર ના થાય અને કાનૂની કાર્યવાહી વિલંબિત ના થાય તે માટે ન્યાયના હિતમાં ગ્રામ્ય ગ્રાહક ફોરમના પ્રમુખની તાત્કાલિક નિમણૂંક કરવા તેમણે અનુરોધ કર્યો છે. આ અંગે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે વધુમાં જણાવ્યું હતું કે, એન.એ એટલે ના નહી હા...ની લોભામણી જાહેરાતોના ઓઠા હેઠળ ઘરનું ઘર આપવાના બહાને સેંકડો ગ્રાહકો સાથે ઠગાઇ કરવાના એન.એ.કન્સ્ટ્રકશનના રૂ.૨૫૦ કરોડના ચકચારભર્યા કૌભાંડના કેસની સુનાવણી દરમ્યાન અગાઉ અમદાવાદ ગ્રામ્ય ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ગ્રાહક કોર્ટના હુકમમાં કસૂર બદલ કસૂરવાર બિલ્ડર નીલેશ મુકુંદરાય શાહને ત્રણ વર્ષની સખત જેલની અને પગલા સમિતિ તરફથી માંગણી કરાઇ હતી ત્યારે બિલ્ડર નીલેશ મુકુંદરાય શાહના એડવોકેટ તરફથી આગામી મુદત તા.૩૦મી જૂન, ૨૦૧૮ સુધીમાં ગ્રાહકોના વધુ રૂ.૫૦ લાખ જમા કરાવવા ખાતરી અપાઇ હતી. એટલું જ નહી, નવી દસ ફરિયાદો દાખલ કરાતાં ગ્રામ્ય ગ્રાહક ફોરમે બિલ્ડર નીલેશ શાહ વિરૂધ્ધ સમન્સ જારી કરી કેસની વધુ સુનાવણી તા.૩૧મી ઓગસ્ટે મુકરર કરી છે ત્યારે સેંકડો ગ્રાહકોની ફરિયાદ અને હિતનો સવાલ હોય તેવા એન.એ.કન્સ્ટ્રકશન સહિતના અનેકવિધ કેસોને લઇ ગ્રામ્ય ગ્રાહક ફોરમમાં મહત્વની સુનાવણી ચાલી રહી છે. જો આ ફોરમમાં જ પ્રમુખપદની જગ્યા ખાલી હોય તો, ગ્રાહકોને તેમના કેસમાં ન્યાય કેવી રીતે મળી શકે તે ગંભીર સવાલ છે. અમદાવાદ ગ્રામ્ય ગ્રાહક ફોરમમાં એક મહિનાથી પ્રમુખપદની જગ્યા ખાલી છે, છતાં સરકાર દ્વારા ભરાતી નથી. ઉલ્ટાનું અમદાવાદ એડિશનલ ગ્રાહક ફોરમના પ્રમુખ ડી.બી.નાયકને ગ્રામ્ય ગ્રાહક ફોરમના ઇન્ચાર્જ તરીકે હવાલો સોંપાતા તેઓ સપ્તાહમાં ગુરૂવાર અને શુક્રવાર એમ માત્ર બે દિવસ જ આ જવાબદારી સંભાળી રહ્યા છે. જેના કારણે ગ્રાહકો ઝડપી અને અસરકારક ન્યાયથી વંચિત રહી રહ્યા છે ત્યારે રાજય સરકારે અમદાવાદ ગ્રામ્ય ગ્રાહક ફોરમમાં તાત્કાલિક પ્રમુખપદની જગ્યા ભરવી જોઇએ તેવી માંગણી સમિતિના પ્રમુખ મુકેશ પરીખે વિજયભાઇ રૂપાણી સહિતના સત્તાવાળાઓને પત્રમાં કરી છે.

 

(9:18 pm IST)
  • પોરબંદરના માધવપુર ઘેડ પાસે મધુવંતી નદીમાં માછીમારી કરતો યુવાન નદીમાં તણાયો : રેસ્કયુ ટીમ ઘટના સ્થળે દોડી ગઇ access_time 2:09 pm IST

  • સુરતના વણેલા ગામે બાળક નદીમાં ફેંકી દેનાર પિતાનો રીમાન્ડ દરમિયાન ખુલાસોઃ બાળક પોતાનું ન હોવાનું લાગવાથી આ પગલું ભર્યાનું રટણ access_time 1:54 pm IST

  • સુરતઃભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી સામે દૂષ્કર્મની ફરિયાદ કરનાર પીડીતા અંતે મીડીયા સમક્ષ આવી પીડીતાએ પોલીસ કામગીરી સામે પણ ઉઠાવ્યા કેટલાક સવાલઃ મારા પર ફરિથી દૂષ્કર્મ થઇ રહ્યો હોય તેવી અનુભુતિ થઇ રહી છે.પીડીતા access_time 1:54 pm IST