Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

૩૯ લાખથી વધુ બાળકોના ઓરી-રૂબેલા રોગની રસી

ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન શરૂ કરાયું : નવ માસથી ૧૫ વર્ષના ૧.૬ કરોડ બાળકોને એમઆરની રસી અપાશે : ૨૦ રાજ્યોમાં ૯.૨ કરોડથી વધુને રસી

અમદાવાદ, તા.૨૧ : આરોગ્ય વિભાગના અધિક નિયામકના જણાવ્યાનુસાર રાજ્યમાં ઓરી-રૂબેલાના રોગ સામે રક્ષણ આપવા માટે રાજ્ય સરકારે જે જન અભિયાન ઉપાડ્યું છે જેમાં રાજ્યભરના દોઢ કરોડથી વધુ બાળકોને આવરી લેવાનું આયોજન છે તે પૈકી આજ સુધીમાં ૩૯.૮૦ લાખથી વધુ બાળકોનું રસીકરણ સંપન્ન થયું છે. આ અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર ઉચ્ચ અધિકારીઓ તેમજ ખાનગી બાળ રોગ નિષ્ણાત પણ પોતાના બાળકોને એમ.આરની રસી અપાવી રહ્યા છે. આવું જ એક ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં સાબરકાંઠાના જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મનીષ ફેન્સી અને પ્રખ્યાત ખાનગી બાળ રોગ નિષ્ણાત ડૉ. સંદિપ ત્રિવેદીએ પોતાના બાળકોનું શાળામાં જઈ રસીકરણ કરાવીને પુરૂ પાડ્યું છે. આ અભિયાનના પ્રથમ તબક્કામાં તમામ શાળાઓમાં કામગીરી કરવાની હોઈ અત્યાર સુધીમાં કુલ ૩૦,૪૩૭ રસીકરણ સત્રનું આયોજન કરી ૩૯.૮૦ લાખ બાળકોને એમ.આર. રસી આપી ઓરી અને રૂબેલા રોગથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. ઓરી-રૂબેલાની આ રસી ૧૦૦ ટકા સુરક્ષિત અને અસરકારક છે. જ્યારે કોઈપણ વિશાળ રસીકરણ અભિયાનમાં શાળામાં ભણતા મોટા બાળકોમાં સોયના ભયના કારણે માનસિક તાણ થવાની સંભાવના હોય છે પરંતુ તેને દુર કરવા માટે દરેક શાળાઓમાં આ અભિયાનને લઈને શિક્ષકો, વાલીઓ અને બાળકોમાં એક ઉત્સવ જેવા માહોલનું વાતાવરણ પેદા થયું છે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમમાં સુપરવિઝન માટે વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી રસીકરણ અંગે જનજાગૃતિ લાવવા અને ગેરસમજ દુર કરવા માટે વિવિધ સહયોગ આપવામાં આવ્યો છે.  રાજ્ય સરકાર દ્વારા એમ.આર. રસીની ગુણવત્તા અને  કોલ્ડ ચેઈનની જાળવણીની તકેદારી રાખી તાલીમબદ્ધ આરોગ્ય કાર્યકર દ્વારા આ રસીકરણ કરાય છે.

અભિયાન હેઠળ રાજ્યના ૯ માસથી ૧૫ વર્ષ સુધીના ૧.૬ કરોડ બાળકોને એમઆરની રસી અપાશે. દેશના ૨૦ રાજ્યોમાં ૯.૨ કરોડથી વધુ બાળકોને રસી આપવામાં આવી ચુકી છે.

(9:17 pm IST)