Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

કોટ વિસ્તારમાં ત્રણ હજારથી પણ વધુ મકાનો ભયજનક છે

ટુંકમાં જ ઝીણવટભર્યાે સર્વે કરાવાય તેવી શકયતા : ઐતિહાસિક ધરોહર ધરાવતાં જૂના અને પુરાણા મકાનોમાં લોકો જીવના જોખમે રહે છે, યોગ્ય નીતિ ઘડવાની માંગણી

અમદાવાદ, તા.૨૧ : મેગાસિટી અમદાવાદ કૂદકે ને ભૂસકે વિકાસની દૃષ્ટિએ હરણફાળ ભરી રહ્યું છે. એક તરફ ગગનચુંબી હાઇરાઇઝ બિલ્ડિંગ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સનાં વિશાળકાય બાંધકામો થઇ રહ્યાં છે. પશ્ચિમી શૈલીનાં અત્યાધુનિક સગવડો ધરાવતાં આવાં બાંધકામોથી શહેર વધુ ને વધુ 'સ્માર્ટ' બની રહ્યું છે. બીજી તરફ પરંપરાગત શૈલીનાં વર્ષો જૂનાં સેંકડો મકાનો તંત્રની ઉપેક્ષાથી દિવસે દિવસે જીર્ણશીર્ણ થઇ રહ્યાં છે. એકલા કોટ વિસ્તારની વાત કરીએ તો 'ઓલ્ડ સિટી'માં ત્રણ હજારથી વધુ ગમે ત્યારે પડું પડું થાય તેવાં ભયજનક મકાનો હોઇ તેમાં હજારો લોકો જીવના જોખમે રહે છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓએ આવા ભયજનક મકાનોને લઇ યોગ્ય નિર્ણય લઇ અસરકારક પગલા લેવા જોઇએ તેવી માંગણી પણ જાગૃત નાગરિકોમાં ઉઠવા પામી છે. ચોમાસામાં વરસાદી માહોલમાં ભયજનક મકાન તૂટવાની શક્યતા વધી જાય છે. દર વર્ષે કોટ વિસ્તારમાં એક કે બે મકાન ધરાશાયી થાય છે. યુનેસ્કો દ્વારા અમદાવાદને દેશનું સૌ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું છે,  પરંતુ હેરિટેજ સિક્કાની બીજી બાજુ પણ છે. જેમાં કોટ વિસ્તારના પુરાતન શૈલીનાં સેંકડો મકાનોનું હેરિટેજ સિટીની યુનેસ્કોની જાહેરાતમાં રહેલું મહત્વપૂર્ણ યોગદાન ભૂલી શકાય તેમ નથી. યુનેસ્કોએ કોટ વિસ્તારના અડધી સદી સદીથી પણ જૂનાં પુરાણાં આવાં મકાનોની ' હેરિટેજ વેલ્યુ'ને ઓળખી છે. પરંતુ કમનસીબે શહેરના શાસકોને કોટ વિસ્તારનો શહેરની ઐતિહાસિક ધરોહરની પરવા નથી. કોટ વિસ્તારમાં નાનાં-મોટાં મળીને આશરે એક લાખથી વધુ મકાન છે. જે પૈકી ત્રણ હજારથી વધુ મકાનો પચાસથી સો વર્ષથી પણ જૂના સમયકાળના પ્રવાહ સામે ઝઝૂમીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખનારાં મકાન છે. સત્તાવાળાઓ દ્વારા દર વર્ષે રથયાત્રાના રૂટ પરનાં ભયજનક મકાનનો સર્વે કરાય છે. સર્વે હેઠળના ભયજનક મકાનનો દીવાલ કે ઝરૂખા જેવા ગમે ત્યારે ધરાશાયી થનારા ભાગને તંત્ર દ્વારા ઉતારાય છે. આ વખતે સત્તાધીશોએ પંદર ભયજનક મકાનના આંશિક હિસ્સાને સ્વખર્ચે ઉતારી લઇને રથયાત્રા રૂટને સુરક્ષિત કર્યાં છે. જ્યારે સમગ્ર કોટ વિસ્તારના ભયજનક મકાનનો સર્વે ક્યારેય થયો નથી કે કરાવવાની ભૂતકાળના કોઇ શાસકો દ્વારા તસદી લેવાઇ નથી. આજે પણ આવા મકાનમાં જીવના જોખમે હજારો નાગરિકો વસવાટ કરી રહ્યા છે. સમગ્ર શહેરમાં ગામ તળ વિસ્તાર સહિતના નરોડા-નારોલના પટ્ટા વગેરેમાં પણ સેંકડો દાયકાઓ જૂનાં મકાન અસ્તિત્વમાં છે. મુંબઇ જેવા દેશના બીજાં અન્ય શહેરોમાં સ્થાનિક સત્તાવાળાઓ વર્ષો જૂનાં મકાન માટે સ્ટેબિલિટી સ્ટ્રકચર સંબંધિત સર્ટિફિકેટનો આગ્રહ રાખે છે. નાગરિકોનાં જીવન માટે જોખમી બનેલ મકાનને ઉતારીને તેનાં પુનઃ નિર્માણ માટેની વિશેષ યોજના કાર્યરત છે. બીજી તરફ મ્યુનિસિપલ સત્તાવાળાઓ કોટ વિસ્તારમાં ટી ગર્ડરનો ઉપયોગ અંગે આજે પણ અનિર્ણાયક છે. પંદર-સત્તર વર્ષ પહેલાના શાસકોએ હેરિટેજ વોલ સિટી રિવાઇટેબલ પ્લાન તૈયાર કરાવ્યો હતો. જેને બાદમાં અભરાઇએ ચડાવી દેવાયો હતો. દરમ્યાન આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટે જણાવ્યું હતું કે, રથયાત્રાના પરંપરાગત રૂટ ઉપરાંતના સમગ્ર શહેરના ભયજનક મકાનનો ચોક્કસપણે આગામી દિવસોમાં સર્વે હાથ ધરાશે. તંત્રના સર્વેના આધારે નાગરિકોના હિતમાં સર્વગ્રાહી નીતિ પણ ઘડી કઢાશે.

(7:19 pm IST)