Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

પ્રારંભિક સૌથી ઓછો ૯.૧૮ ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં : સૌથી વધુ કચ્છમાં ૧૨.૬૨ ટકા

દેખા એક બાર ફીર સે બારીશ કા મોસમ આયા, અપને સાથ સબકે ચેહરો પર મુશ્કાન લાયા... : રાજ્યનો મોસમનો અત્યાર સુધીનો સરેરાશ વરસાદ ૧૦.૩૬ ટકા : એક પણ તાલુકો કોરોધાકોડ નહિ : ૧૧૫ તાલુકાઓમાં ૨ થી ૫ ઇંચ

રાજકોટ તા. ૨૨ : ગુજરાતમાં વરસાદી મોસમના મંડાણ થઇ ગયા છે. વરસાદ સારા વર્ષની આશા જગાવી છે. મોટાભાગના વિસ્તારોમાં વાવણી થઇ ગઇ છે. જળાશયોમાં નવા નીરની આવક શરૂ થઇ છે. આવતા દિવસોમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ ૧૦.૩૬ ટકા વરસાદ થઇ ગયો છે. આજે સવારે ૬ થી ૮ વચ્ચે દક્ષિણના ૪ તાલુકાઓમાં સામાન્ય વરસાદ છે.  ગુજરાતમાં ભૌગોલિક દ્રષ્ટિએ પાંચ ઝોન છે. જેમાં આ વખતની મોસમમાં આજે સવાર સુધીના આંકડાઓ મુજબ સરેરાશ વરસાદનો સૌથી ઓછો ૯.૧૮ ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં થયો છે. સૌથી વધુ ૧૨.૬૨ ટકા વરસાદ કચ્છમાં નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં ૧૦.૧૯ ટકા મધ્ય ગુજરાતમાં ૯.૬૩ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૧૧.૯૭ ટકા વરસાદ નોંધાયો છે. એક પણ તાલુકો વરસાદ વગરનો રહ્યો નથી.  ૮૪ તાલુકાઓમાં ૨ ઇંચ સુધી અને ૧૧૫ તાલુકાઓમાં ૨ થી ૫ ઇંચ સુધીનો વરસાદ થયો છે. ૪૩ તાલુકાઓમાં ૫ થી ૧૦ ઇંચ વરસાદ નોંધાયો છે. ૯ તાલુકાઓમાં ૧૦ થી ૨૦ ઇંચ વરસાદ પડયો છે. ૨૦ ઇંચથી વધુ વરસાદ એકેય તાલુકામાં નથી. કુલ ૨૫૧ તાલુકાઓ છે. વરસાદ પડવાની સાથે આંકડાઓ ફરતા રહેશે.

(11:00 am IST)