Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

એસીબી વાવાઝોડું ભાણવડથી રાજકોટ સુધી ફંટાયુ

લાંચની માંગણી કરનાર સામે કાર્યવાહીનું અભિયાન સૌરાષ્ટ્ર તરફ ફંટાયાના અકિલાના અહેવાલને સમર્થન : આ તો ફકત શરૂઆત છે, ટૂંક સમયમાં તીવ્ર ગતીથી આગળ વધીશું: એસીબી વડા કેશવકુમાર સાથે અકિલાની વાતચીત

રાજકોટ, તા., ૧૬: 'લાંચ' લેતા પકડાઇ તો જ ગુન્હો બને એવી ભ્રામક માન્યતામાં રાચતા શખ્સોની માન્યતા ભાંગીને ભૂકકો થઇ જાય તેવી આજ સુધી ભાગ્યેજ થયેલી કાર્યવાહીનું અભિયાન હવે સૌરાષ્ટ્ર તરફ પુર ઝડપે આગળ વધી રહયાના અકિલાના અહેવાલને સમર્થન આપતી  બીજી ઘટના પણ પ્રકાશમાં આવી છે.  એસીબી વડા કેશવકુમારે અકિલા સાથેની વાતચીતમાં આ અભિયાન  વધુને વધુ તીવ્રતા પકડશે તેવા સંકેત આપ્યા હતા.

એસીબી વડા કેશવકુમારના આદેશથી દેવભુમી દ્વારકા જીલ્લાના ભાણવડ પંથકના નાયબ મામલતદાર મજીદભાઇ બ્લોચ સામે તા. ૬-૧-ર૦૧૮નો ગુન્હો બે વર્ષ બાદ જાહેર થતા તેમની સામે લાંચની માંગણી અંગેનો ગુન્હો રાજકોટ શહેરના મદદનીશ એસીબી નિયામક હિમાંશુ દોશીના સુપરવીઝન હેઠળ સરકાર તરફે ગુન્હો દાખલ કરી આગળની તપાસ એસીબી પીઆઇ એમ.એમ.સરવૈયા દ્વારા હાથ ધરવામાં આવી હતી એ બાબત જાણીતી છે. સૌરાષ્ટ્રના એક સમયના પાટનગર એવા રાજકોટમાં પણ લાંચ માંગણીને  કવોલીટી કેસ મદદનીશ નિયામક હિમાંશુ દોશીના સુપરવીઝનમાં કરવામાં આવ્યો છે. રાજકોટમાં ઇન્કમટેકસ  ઓફિસર તરીકે ફરજ બજાવતા મૌલેશ  પ્રવિણચંદ્ર મહેતા સામે એક અરજદાર પાસેથી ઇન્કમટેકસ રીટર્નની કવેરીના નામે રૂ. ર૦ હજારની લાંચની માંગણી  અંગે સરકાર તરફે એસીબી વડા કેશવકુમારના આદેશથી ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

ફરીયાદી દ્વારા ઇન્કમટેકસ ઓફિસર સામે ર૦ હજારની લાંચની માંગણી બાદ ૧૫ હજારમાં લાંચની રકમનું સેટલમેન્ટ થયાનું અને તે રકમ સ્વીકાર્યા બાબતની અરજી થઇ હતી.

તા.૮ માર્ચ ર૦૧૯ની ગુન્હો જાહેર થયાની તા. ર૧-૬-ર૦ર૦ સુધીની તમામ ઘટનાઓનું આવેલ અરજી દ્વારા અવલોકન સાથે પુરાવાઓની ચકાસણી બાદ મદદનીશ નિયામક હિમાંશુ દોશી દ્વારા લાંચ માંગણી અંગે ગુન્હો દાખલ કરવામાં આવેલ. જેની તપાસ તાજેતરમાં જ  એસીબીમાં રાજકોટ ગ્રામ્યના પીઆઇ તરીકે આઇબીમાંથી બદલાયેલા અને ભુતકાળમાં ગાંધીગ્રામ સહીત વિવિધ જગ્યાઓએ ફરજ બજાવી ચુકેલા આર.આર.સોલંકીને તપાસ સુપ્રત થયાનું એસીબી હેડ કવાર્ટર અમદાવાદ  દ્વારા જાણવા મળ્યું છે.

આ અગાઉ સુરતમાં પણ લાંચની માંગણી અંગે કાર્યવાહી કરવા સાથે અમદાવાદમાં પણ લાંચ માંગણી અંગે કાર્યવાહી કરી એસીબીએ નવતર પ્રકારનું અભિયાન હાથ ધર્યુ છે.

(11:49 am IST)