Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ગુજરાત રાજયસભા ચૂંટણી જંગ

ચૂંટણી બિનહરીફ થશે ? નિરાશ કોંગ્રેસ કોઇ ઉમેદવાર નહિ ઉતારે? ભાજપ એસ. જયશંકર અને બલવંતસિંહને મેદાનમાં ઉતારશે

અમદાવાદ, તા. રર : ગુજરાતમાં પ જુલાઈના રોજ રાજયસભાની બે બેઠકોની પેટાચૂંટણી યોજાશે. આ બન્ને બેઠકોની ચૂંટણી અલગ અલગ બેલેટથી યોજાવાની છે ત્યારે બન્ને બેઠકો પર ભાજપનો વિજય લગભગ નક્કી છે. તે સંજોગોમાં ભાજપ આ બન્ને સલામત બેઠકો પર કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકરની સાથે બીજા ઉમેદવાર તરીકે બલવંતસિંહ રાજપૂતને મેદાનમાં ઉતારે એવી શકયતાઓ છે. જયારે હતાશ થયેલી કોંગ્રેસ આ ચૂંટણીમાં પોતાની હાર નક્કી હોવાનું માની લઈને એકપણ ઉમેદવાર ન ઉભો રાખે એવી સંભાવના છે. જેથી આ ચૂંટણી બિન હરિફ થઈ શકે છે.

આ બન્ને બેઠકમાંથી એક પર વિદેશમંત્રી એસ.જયશંકરને રાજયસભામાં મોકલવામાં આવશે, કારણ કે એસ.જયશંકર હાલ એકપણ ગૃહના સભ્ય નથી. માત્ર એટલું જ નહીં, આ બેઠક સરળતાથી જીતી શકાય તેમ હોવાથી એસ.જયશંકરને જીત માટે કોઈ વિશેષ મહેનત કરવાની રહેશે. તો બીજી તરફ બીજી બેઠક માટે બલવંતસિંહની ઉમેદવારી પાછળનું કારણ એ છે કે, ઓગસ્ટ 2017માં યોજાયેલી રાજયસભાની ચૂંટણીમાં બલવંતસિંહનો કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલ સામે પરાજય થયો હતો. જેથી ભાજપે તે વખતે રાજયસભામાં જવાથી ચૂકી ગયેલા બલવંતસિંહને રાજયસભામાં મોકલવાનો નિર્ણય લીધો છે.

જો ગુજરાતમાં રાજયસભાની એક સાથે બે બેઠકની ચૂંટણી થાય તો અપૂરતી ધારાસભ્યોની સંખ્યાને કારણે ભાજપને બે પૈકી એક બેઠક ગુમાવવી પડે તેવી સ્થિતિ સર્જાવવાની શકયતા છે. પરંતુ કેન્દ્રિય ચૂંટણીપંચે બંને બેઠકોની ચૂંટણીની પ્રક્રિયા એકસાથે પરંતુ મતદાન અલગ અલગ યોજવાનું જાહેરનામુ બહાર પાડતા ગુજરાતમાં પ્રથમ વખત એક જ દિવસે થનારી ચૂંટણી બે અલગ અલગ ચૂંટણી ગણાશે. પરિણામે ભાજપના ધારાસભ્યોની સંખ્યા પ્રમાણે બે બેઠક જાળવવામાં ચૂંટણીપંચે જ રસ્તો સરળ કરી દીધો છે. જો, બે બેઠકની ચૂંટણીનું મતદાન એક જ સાથે કરીને એક જ ચૂંટણી ગણી હોત તો ભાજપને બે બેઠક જાળવવા માટે કોંગ્રેસના ધારાસભ્ય તોડવા પડત,પણ હવે કોંગ્રેસના ધારાસભ્યો તોડવા નહીં પડે કે ક્રોસ વોટિંગ કરાવવાની પણ જરૂરિયાત નહીં રહે. આમ કોંગ્રેસને એકપણ બેઠક ન મળે એવી પુરી શકયતા છે. ચૂંટણીપંચના આ જાહેરનામાને લઈ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેની 25 જૂને સુનાવણી યોજાશે.

ગુજરાત રાજયસભામાંથી ચૂંટાયેલા અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની લોકસભા ચૂંટણીમાં જીત થયા બાદ બન્નેએ રાજયસભાના સભ્યપદેથી રાજીનામા આપ્યા હતા. જેને પગલે ખાલી પડેલી રાજયસભાની આ બન્ને બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.

(3:44 pm IST)