Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

અમદાવાદના નારોલમાં થયેલ ભેદી બ્લાસ્ટમાં બે મજૂરોના મોત : વેપારી સામે સાપરાધ મનુષ્યવધનો ગુન્હો : ધરપકડ

કેમિકલની દુકાનના માલિક અશ્વિન રસિકલાલ આશરાની ધરપકડ

અમદાવાદના નારોલ વિસ્તારના પટેલ એસ્ટેટમાં બે દિવસ પહેલાં જમીનમાંથી થયેલા ભેદી બ્લાસ્ટના કારણે મોતને ભેટેલા બે મજૂરોના ચકચારી કેસમાં ઇસનપુર પોલીસે કેમિકલની દુકાનના માલિક અશ્વિન રસિકલાલ આશરાની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

 જોકે બ્લાસ્ટ થવા પાછળનું કારણ હજી સુધી અકબંધ છે પરંતુ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે બે મજૂરોનાં શરીર છિન્નવિચ્છિન્ન થઇ ગયાં હતાં. બે મહિના પહેલાં આ જ કામ માટે દુકાનના માલિક અશ્વિનભાઈએ મજૂર બોલાવીને ખોદકામ કરાવ્યું હતું જ્યાં બ્લાસ્ટ થતાં મજૂર ઈજાગ્રસ્ત થયો હતો. તેમ છતાં અશ્વિનભાઈએ આ ઘટનાને હળવાશથી લેતાં ફરીથી ત્યાં બાથરૂમ બનાવવા માટે ખોદકામ કરાવ્યું હતું. જેના કારણે આ દુર્ઘટના બની હોવાનું જાણવા મળે છે

 આ અંગે મળતી વિગત મુજબ નારોલ વિસ્તારમાં આવેલ પટેલ એસ્ટેટમાં તારીખ ૨૦ જૂનના રોજ બપોરે બે મજૂરો ખોદકામ કરી રહ્યા હતા ત્યારે જમીનમાંથી અચાનક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે એક કિલોમીટર સુધી તેનો અવાજ આવ્યો હતો અને કામ કરતા બે મજૂરોનાં શરીરનાં ટુકડેટુકડા થઇ ગયાં હતાં.

 આ ઘટનાથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસ તેમજ ફાયરબ્રિગેડની ટીમ તેમજ એફએસએલ અને ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બ્લાસ્ટનું સાચું કારણ શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં. પોલીસે બન્ને મજૂરોની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી.

(1:25 pm IST)