Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

માનો કે ન માનો

બોર્ડના પેપરમાં શિક્ષકે વિદ્યાર્થીને પ૦માંથી આપી દીધા અધધ..૬૬ માર્ક

ઘોર બેદરકારી

અમદાવાદ, તા.૨૨: પોતાનું ભવિષ્ય સુધારવા અને મનગમતી સ્ટ્રીમ કે કોલેજ પસંદ કરવા માટે વિદ્યાર્થીઓ આકરી તૈયારી કરીને બોર્ડની પરીક્ષા આપતા હોય છે. આમ તો સામાન્ય રીતે ૩ કલાક સુધી તેમણે પેપરમાં જે લખ્યું હોય તેના પરથી તેમનું ભવિષ્ય નક્કી થતું હોય છે. પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ કહીએ તો વિદ્યાર્થી પેપરમાં ગમે તેટલા સાચા કે ખોટા જવાબો લખીને આવે પરંતુ તેને વધારે કે ઓછા માકર્સ મળશે તે શિક્ષક પર આધાર રાખે છે. જી હાં, તમને વિશ્વાસ નહીં થાય પરંતુ ૧૦માના બોર્ડની પરીક્ષામાં એક વિદ્યાર્થીને વિજ્ઞાન વિષયની ૫૦ માકર્સની OMR શીટમાં શિક્ષકે ૬૬ માકર્સ આપી દીધા.

પાછલા મહિના આ ચોંકાવનારી મોટી ભૂલ ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજયુકેશન બોર્ડ (GSHSEB) દ્વારા પકડી લેવામાં આવી અને રિઝલ્ટ જાહેર કરતા પહેલા સુધારી લેવાઈ. જોકે શિક્ષકો દ્વારા કરાયેલી આ એકમાત્ર ભૂલ નહોતી. રાજયનું શિક્ષણ બોર્ડ પેપર ચેકિંગ સમયે કરાતી આવી ભૂલોથી પરેશાન છે. વર્ષ ૨૦૧૮-૧૯ના શૈક્ષણિક વર્ષ દરમિયાન બોર્ડ દ્વારા ૭૨૦૦ પેપર્સમાં શિક્ષકોએ કરેલી ૧૦થી વધારે માકર્સની ભૂલો પકડી લેવાઈ હતી.

ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટના પેપરમાં એક શિક્ષકે વિદ્યાર્થીને ૧૦૦માંથી ૮૬ માકર્સ આપ્યા હતા, આ વિદ્યાર્થીને હકીકતમાં માત્ર ૩૦ માકર્સ મળ્યા હતા. જયારે અન્ય કિસ્સામાં સામાન્ય પ્રવાહને વિદ્યાર્થીને ૧૦૦માંથી ૫૫ માકર્સ મળ્યા. આ વિદ્યાર્થીએ હકીકતમાં ૮૬ માકર્સ આવ્યા હતા.

બોર્ડના ટોચના અધિકારીએ જણાવ્યું કે, પેપર ચેકિંગ સમયે શિક્ષકો દ્વારા કરાતું ખોટું માર્કિંગ ગંભીર સમસ્યા છે. દરેક માર્ક વિદ્યાર્થીનું કરિયર બનાવી કે બગાડી શકે છે આથી શિક્ષકોને પેપર ચેકિંગ સમયે ખાસ ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે.

આ વર્ષે ધોરણ ૧૦-૧૨ બોર્ડના પેપર તપાસવા માટે ૨૨૦૦૦ શિક્ષકો શામેલ થયા હતા. બોર્ડ દ્વારા હાલમાં જ પ્રત્યેક માર્કની ભૂલ પર ૫૦ રૂપિયા શિક્ષકને ૭૫ રૂપિયા મોડરેટરને અને ૧૦૦ રૂપિયા કોર્ડિનેટરને દંડ કરવાનો નિર્ણય અમલમાં મૂકવામાં આવ્યો છે. આ દંડ છતાં શિક્ષકો દ્વારા કરાતી ભૂલોમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી.

(11:46 am IST)