Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

બદલીની જગ્યાએ હાજર થવાનું ટાળવા રજા પર ઉતરી જવાથી ગેરશિસ્ત ગણાશે

સરકારી અધિકારીઓ-કર્મચારીઓ જોગ મહેસુલના ડે. સેક્રેટરી દિલીપ ઠાકરનો પરિપત્ર

ગાંધીનગર, તા. ૨૨ :. રાજ્ય સરકારના અધિકારીઓ - કર્મચારીઓની બદલી બાદ નવી જગ્યાએ હાજર થવા બાબતે મહેસુલ વિભાગના નાયબ સચિવ (સેવા) શ્રી દિલીપ ઠાકરે ગઈકાલે અગત્યનો પરિપત્ર પ્રસિદ્ધ કરાવી તમામ કલેકટરોને મોકલી આપેલ છે.

પરિપત્રમાં જણાવાયુ છે બદલીના હુકમો હેઠળના અધિકારી - કર્મચારીઓના કેટલાક કિસ્સાઓમાં સરકારના ધ્યાન પર આવેલ છે કે, તેઓ બદલીવાળી જગ્યાએ - સ્થળે હાજર થવાનું ટાળવા રજા ઉપર ઉતરી જતા હોય છે. આ કેસ ગેરશિસ્ત છે. એકવાર બદલીઓના હુકમો થઈ ગયા પછી બદલી હેઠળના કોઈ અધિકારી - કર્મચારી બદલીવાળી જગ્યાએ હાજર થયા પહેલા કોઈપણ જાતની રજા ઉપર  ઉતરી શકશે નહિ. અનિવાર્ય કારણોસર રજાની જરૂર હોય તો પણ આવા અધિકારી - કર્મચારીએ પ્રથમ બદલીવાળી જગ્યાએ તાબડતોબ હાજર થઈ જવાનું રહેશે અને બદલીથી નવી નિયુકિતવાળી જગ્યા પર રજાઓ મંજુર કરનાર સક્ષમ સત્તા પાસેથી રજાઓ મંજુર કરાવ્યા બાદ રજા પર ઉતરી શકશે. જો તેઓ બદલીવાળી જગ્યાએ હાજર ન થાય તો ગુજરાત મુલ્કી સેવા (સેવાની સામાન્ય શરતો) નિયમો, ૨૦૦૨ના નિયમ-૨૭ના હેતુ માટે ગેરવર્તણુક ગણી બધી રજાઓ બિનઅધિકૃત ગેરહાજરી તરીકે ગણવાની અને શિસ્ત વિષયક કાર્યવાહી કરવાની રહેશે.

આમ ફરજમુકત થયા બાદ કોઈ અધિકારી-કર્મચારી સત્વરે નવી જગ્યાએ હાજર ન થાય તેવા કિસ્સાઓમાં સંબંધિતની વર્તણુક ગેરશિસ્ત બનવી હોય તુરંત જ શિસ્ત વિષયક કાર્યવાહી અર્થે મહેસુલ વિભાગને જરૂરી આધારો સાથે દરખાસ્ત કરવા વિનંતી છે.

ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગના ઠરાવની જોગવાઈ મુજબ બઢતીવાળી જગ્યા ઉપર હાજર થવા સારૂ મહત્તમ સાત દિવસની સમયમર્યાદા નિયત કરવામાં આવેલ છે. બઢતીનો હુકમ મળ્યે સંબંધિતે કચેરીના વડા-સક્ષમ સત્તાને ફરજમુકત કરવા દિન-૧માં જ લેખિત રજૂઆત કરવાની રહેશે. ફરજમુકત થયા બાદ કર્મચારી જો મહત્તમ દિન-૭માં નવી જગ્યાએ હાજર ન થાય તો ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો મુજબ કાર્યવાહી કરી બઢતી રદ કરવાની રહે છે.

(11:45 am IST)