Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

લિટલ મિલેનિયમ ગુજરાતમાં ૧૦૦ પ્રિ-સ્કૂલ સેન્ટર સ્થાપિત

લિટલ મિલેનિયમ એજયુકેશન પ્રા.લિની જાહેરાત : દેશમાં સંસ્થાના કાર્યરત ૬૦૦ સેન્ટરોની સંખ્યા વધારી વર્ષ ૨૦૨૦ સુધીમાં ૧૦૦૦ સુધી પહોંચાડવાની યોજના

અમદાવાદ,તા.૨૨ : પ્લેગ્રુપ, નર્સરી, જુનીયર અને સિનિયર કે.જી જેવી પ્રિ-સ્કૂલ ચેઇન્સમાંથી દેશની અગ્રણી શિક્ષણ સંસ્થા લિટલ મિલેનીયમ એજયુકેશન પ્રા.લિ દ્વારા ગુજરાતમાં હવે તેના વિસ્તરણની અને મહત્વકાંક્ષી પ્રોજેકટની આજે અમદાવાદમાં જાહેરાત કરાઇ હતી. લિટલ મિલેનીયમ એજયુકેશન પ્રા.લિ.ના ચીફ એકઝીકયુટીવ ઓફિસર રમણ બજાજ અને ડેપ્યુટી ડાયરેકટર મનજીત લેઘાએ જણાવ્યું હતું કે, લિટલ મિલેનીયમ આગામી વર્ષોમાં ગુજરાત સહિત દેશભરમાં તેની સંસ્થાઓના વિસ્તરણ અને વ્યાપની મહત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકવા જઇ રહી છે. જેમાં અમદાવાદના ૧૨ મળી ગુજરાતમાં કુલ જે ૪૫ પ્રિ-સ્કૂલ સેન્ટર છે, તે આગામી વર્ષમાં વધારી ૧૦૦ સેન્ટરો ઉભા કરવાનું આયોજન છે. આ સિવાય, હાલ ગુજરાત સહિત દેશમાં લિટલ મિલેનીયમના પ્રિ-સ્કૂલના જે ૬૦૦ સેન્ટરો છે, તે આગામી ૨૦૨૦ સુધીમાં ૧૦૦૦ સેન્ટરો સુધી પહોંચાડવાની યોજના છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશની અન્ય પ્રિ-સ્કૂલ શિક્ષણ સંસ્થાઓની સરખામણીએ અમારો અજોડ સેવન પટેલ અભિગમ પ્લે એક્ટીવીટીઝ અને એકત્રિત ગ્રુપ કાર્ય થકી બાળકના સંપૂર્ણ વિકાસની ખાતરી આપે છે. અમારા અભ્યાસક્રમ એક્લેટિક મોડેલ અપનાવે છે, જે વહેલા બાળપણ પર વિચારોને ધ્યાનમાં રાખી બાળકને આંતરિક વ્યકિતત્વ અને તેનામાં પડેલી અસીમ શકિતઓથી બાળપણથી જ પરિચય કરાવાય છે. અમારા અભ્યાસક્રમ અને માળખાબધ્ધ પધ્ધતિસરની શિક્ષણકળા ઉચ્ચ સંશોધનલક્ષી ટીમ દ્વારા કાળજીપૂર્વક વિકસાવવામાં આવ્યા છે. લિટલ મિલેનીયમ એજયુકેશન પ્રા.લિ.ના ચીફ એકઝીકયુટીવ ઓફિસર રમણ બજાજ અને ડેપ્યુટી ડાયરેકટર મનજીત લેઘાએ વધુમાં ઉમેર્યું હતું કે, અમારા શિક્ષકો પાસે ટીચીંગ આઇપીના એક લાખ પાનાથી પણ વધુ અભ્યાસક્રમને આવરી લેતાં ઝીણવટપૂર્વકના લેસન પ્લાન મેન્યુઅલનું એક્સેસ પણ છે. ભારતમાં બાળપણનું શિક્ષણ મજબૂત અને વધુ ઉત્કૃષ્ટ બનાવવાના ૧૦ વર્ષના સફળ ઇતિહાસની ઉજવણી એ માત્ર લિટલ મિલેનીયમ માટે જ નહી સમગ્ર શિક્ષણજગત માટે ગૌરવરૃપ વાત છે કારણ કે, સંસ્થાએ હંમેશા બાળપણના શિક્ષણને પ્રાધાન્યતા આપી બાળકના ઘડતરને એક નવો આયામ આપ્યો છે. પહેલાની સરખામણીએ હવે માતા-પિતા પણ બાળકોના શિક્ષણ અને તેના વિકાસ બાબતે વધુ ગંભીર અને જાગૃત બન્યા છે ત્યારે પ્રિ-સ્કૂલના શિક્ષણની મહત્વતા અને તેની દૂરોગામી અસરોની જવાબદારી ઘણી વધી જાય છે. આ પ્રસંગે સંસ્થાના ઝોન હેડ વેસ્ટ સાજીદ અલી પણ હાજર રહ્યા હતા. સંસ્થાની ૧૦ વર્ષની સફળતાની ઉજવણી પ્રસંગે અમદાવાદ સહિત ગુજરાતના સેન્ટરોના પ્રતિનિધિઓ પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(9:16 pm IST)