Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ધારાસભ્યો-કોર્પોરેટરોનો હોલ-પ્લોટ બુકીંગનો કવોટા રદ થશે

હાઇકોર્ટની ફટકાર બાદ કોર્પોરેશનનો નિર્ણય : ધારાસભ્યો-કોર્પોરેટરોના જૂના બુકીંગ રદ નહી થાય પરંતુ હવે નવી ફાળવણી નહી : સમગ્ર મામલો હાલ હાઇકોર્ટમાં

અમદાવાદ, તા.૨૨ : શહેરના નવા શાસકો દ્વારા મ્યુનિસિપલ સંચાલિત કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, પિકનિક હાઉસ અને ઓપન એર થિયેટર વગેરેના બુકિંગમાં ધારાસભ્ય-કોર્પોરેટર તરીકેનો વિશેષાધિકાર મેળવીને નાગરિકો સાથે હળાહળ અન્યાય કરીને અમલમાં મુકાયેલી 'ક્વોટા' સિસ્ટમને રદ કરવાનો નિર્ણય લેવાયો છે. ધારાસભ્યો અને કોર્પોરેટરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં અમ્યુકોના હોલ,પાર્ટી પ્લોટ અગાઉથી જ એડવાન્સ બુક કરી લેવાતાં નાગરિકો આ સુવિધા અને લાભથી વંચિત રહેતાં ભારે વિવાદ સર્જાયો હતો અને સમગ્ર મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. ભારે વિવાદ અને હાઇકોર્ટની ફટકાર બાદ અમ્યુકો સત્તાવાળાઓએ હવે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફાળવાતો બુકીંગનો કવોટા રદ કરવાનો નિર્ણય કર્યો છે. જેને પગલે હવે પછી શહેરના તમામ ધારાસભ્ય અને કોર્પોરેટરને સામાન્ય નાગરિકની જેમ જે તે હોલ-પાર્ટી પ્લોટ તેનું બુકિંગ કરાવ્યા બાદ થતા ડ્રોના આધારે જ મળશે. મ્યુનિસિપલ સંચાલિત કોમ્યુનિટી હોલ, પિકનિક હાઉસ અને ઓપન એર થિયેટર તેમજ પાર્ટી પ્લોટ વગેરેનું પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જીપીએમસી એક્ટમાં જોગવાઇ ન હોવા છતાં વિશેષ અધિકાર મેળવીને એક-એક વર્ષ અગાઉથી ખાસ બુકિંગ કરાવતા હતા. સામાન્ય નાગરિક માટે છેક ર૦૦૯થી ઓનલાઇન બુકિંગ સિસ્ટમ ફરજિયાત કરાઇ છે અને જો અનિવાર્ય કારણસર બુકિંગ રદ કરાવવું હોય તો લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ત્યારે ધારાસભ્ય અને કોર્પોરેટર સ્ટેન્ડિંગ કમિટીમાં વધુ એક વખત તાકીદનો ઠરાવ પસાર કરીને બુકિંગની તારીખ-જગ્યા વગેરેમાં ફેરફાર તેમજ તેને રદ પણ કરાવતા હતા. નાગરિકો સાથે અન્યાય કરનારી આ બાબતનો પડઘો છેક હાઇકોર્ટમાં પડતાં આ અંગેની જાહેર હિતની અરજીની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે સત્તાધીશોની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી અને જોરદાર ફટકાર લગાવી હતી. જૂના ખાસ બુકિંગના ઠરાવને રદ કરવાની પણ હાઇકોર્ટે સત્તાવાળાઓને તાકીદ કરી હતી.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના નવનિયુક્ત ચેરમેન અમૂલ ભટ્ટને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ધારાસભ્ય અને કોર્પોરેટરનાં જૂનાં બુકિંગ તો રદ નહીં કરાય, તે તો યથાવત્ રહેશે, પરંતુ દર વર્ષે બે હોલ કે પાર્ટી પ્લોટ ફાળવવાની પક્ષની નીતિ હવે પછી અમલમાં મુકાશે નહીં, જોકે આ મામલો કોર્ટ આધીન હોઇ તેમાં વિશેષ ટિપ્પણી કરવી નથી.

(8:03 pm IST)