Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

અમદાવાદ-વડોદરા હાઇવે પર રસ્તા પર ઉભેલ કન્ટેનર પાછળ ટ્રેલર ધડાકાભેર અથડાયું

અમદાવાદ:અમદાવાદ-વડોદરા એક્સપ્રેક્સ વે પર માંકવા સીમ વિસ્તાર છેલ્લા ઘણા સમયથી અકસ્માત ઝોન બન્યો છે. હજુતો ગઇકાલે મોડીરાત્રે સર્જાએલ ત્રિપલ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુની સાહી સુકાઇ નથી, ત્યા આજે વહેલી સવારે ફરી એક અકસ્માત થયો છે. જોકે આ અકસ્માતમાં કોઇને જાનહાની થઇ નથી. જે બાદ બંને વાહન ચાલકો વચ્ચે સમાધાન થઇ જતા પોલીસ ફરીયાદ પણ નોધાઇ નથી. 

અકસ્માતની મળતી વિગતો અનુસાર એક્સપ્રેક્સ વે પર અમદાવાદથી વડોદરા જઇ રહેલ એક લોડીંગ ટ્રેલર કોઇ કારણોસર રસ્તાની ડાબી બાજુ ઉભુ હતુ તે જ સમયે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ લોખંડના સળીયા ભરેલ ટ્રેલરના ચાલકે લોડીંગ ટ્રેલરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. પરિણામે ટ્રેલરનો પાછળનો દરવાજો દબાઇ ગયો હતો અને લોખંડના સળીયા ભરેલ ટ્રેલરમાંથી સળીયા આગળ આવી ગયા હતા. અકસ્માતમાં એક વ્યક્તિને સામાન્ય ઇજાઓ થઇ હતી. પરંતુ ઘટનાસ્થળ પર પહોચેલી પોલીસને બંને વાહન ચાલકોએ કોઇ ફરિયાદ આપવાનો ઇન્કાર કરતા પોલીસ પરત ફરી હતી. 

એ બાબત સારી છેકે આજે વહેલી સવારે થયેલ અકસ્માતમાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ એક્સપ્રેક્સ હાઇવે પર માંકવા ગામની સીમમાં વધી રહેલા અકસ્માતના બનાવો પાછળનું રહસ્ય સમજી અકસ્માતો ઘટાડવા કોઇ કાર્યવાહી કરવામાં આવે તે સમયની માંગ છે.

(6:26 pm IST)