Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

રાજયમાં શાળાએ જવા પાત્ર એક પણ બાળક શાળા પ્રવેશથી વંચીત ન રહે તેવો ધ્યેય શાળા પ્રવેશોત્સવનો, સૌને શિક્ષણનો અધિકાર-રાઇટ ટુ એજયુકેશન માટે રાજય સરકાર સંકલ્પબધ્ધઃ ગાંધીનગરમાં શહેરી ક્ષેત્રના બે દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શહેરી ક્ષેત્રના દ્વિદિવસીય શાળા પ્રવેશોત્સવનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યનું શાળાએ જવા પાત્ર એક પણ બાળક શાળા અભ્યાસ-શાળા પ્રવેશથી વંચિત ન રહે તેવી ૧૦૦ ટકા નામાંકનની સંકલ્પબધ્ધતા આ સરકારે દાખવી છે.

  રાઇટ ટુ એજ્યુકેશન-સૌને શિક્ષણનો અધિકાર એ દિશામાં રાજ્ય સરકાર સંપૂર્ણ સંકલ્પબધ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું.

  આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, શાળા પ્રવેશોત્સવને પરિણામે ડ્રોપ આઉટ રેઇટ ૧ ટકા સુધી લઇ જવામાં મળેલી સફળતાને પગલે માધ્યમિક શાળાઓમાં પણ ટ્રાન્ઝીશન રેટ ૧૦૦ ટકા લઇ જવા માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯માં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ અભિનવ પ્રયોગરૂપે શરૂ કર્યો છે.

  મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યના અંતરિયાળ આદિજાતિ વિસ્તારો સહિત ગામો-શહેરોમાં શિક્ષણની અદ્યતન સુવિધાઓ સરકારે પૂરી પાડી છે.

  સવા લાખ જેટલા શાળાના ઓરડાઓ, બધી જ શાળાઓમાં કોમ્પ્યુટર લેબ, લાયબ્રેરી, પ્રયોગશાળા વગેરે સુવિધાઓથી બાળકોના અભ્યાસની પૂરતી કાળજી સરકાર કરોડો રૂપિયાનું બજેટ શિક્ષણ માટે ફાળવીને લઇ રહી છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

  શ્રી વિજયભાઇ રૂપાણીએ બાળકોના શાળા પ્રવેશોત્સવને પારિવારિક ઉત્સવ તરીકે ઉજવીને બાળકના શાળા નામાંકનને પ્રોત્સાહિત કરવા વાલી-માતા-પિતાઓને પણ અનુરોધ કર્યો હતો.

  તેમણે કહ્યું કે, શિક્ષણ જ વિકાસનો પાયો છે તેથી આજનું બાળક શિક્ષા-દિક્ષા મેળવી રાષ્ટ્રનિર્માણ – સમાજનિર્માણમાં ભાવિ નાગરિક તરીકે સક્ષમતાથી ઊભો રહે તે જ આપણી નેમ છે.

  મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે સરકારી શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેકટ તેમણે કહ્યું કે સરકારી શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેકટ અન્વયે ડિઝીટલ કલાસરૂમ-સ્માર્ટ કલાસીસ અને પ્રોજેકટર જેવા આયામોથી સરકારી શાળામાં ગરીબ-મધ્યમવર્ગીના બાળકોને પણ ખાનગી સમકક્ષ અદ્યતન શિક્ષણ ગુજરાતમાં અપાય છે.

  શ્રી વિજયભાઇ રૂપાણીએ કડી સર્વ વિદ્યાલયના સ્થાપક સ્વ.શ્રી માણેકભાઇ અને દાતાઓના શિક્ષણ સંસ્કાર માટેના સમાજ દાયિત્વની પ્રસંશા કરી હતી.

        આ અવસરે ધારાસભ્ય શ્રી શંભૂજી ઠાકોર, મેયર શ્રી પ્રવિણભાઇ પટેલ, મ્યુ. કમિશનરશ્રી, કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.  

(4:19 pm IST)