Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

હાય રે કળીયુગી શિક્ષણ.... ક્યાં લઈ જઈ રહ્યું છે બાળકોના ભવીષ્યને??

વડોદરામાં બની અરેરાટી ફેલાવતી ઘટના : વિધ્યાર્થીયોના અંદરોઅંદરનાં ઝગડામાં ખાર રાખીને ૯માં ધોરણમાં ભણતા દેવ તડવીની કરાઈ હત્યા : શાળાનાંજ અન્ય વિદ્યાર્થીઓ પર શંકાની સોઈ : પોલીસે હત્યામાં વપરાયેલ હથિયાર અને સ્કૂલબેગ કબજે કરી - તપાસ હાથ ધરી

વડોદરા : શહેરમાં અરેરાટી ફેલાવતો બનાવ સામે આવ્યો છે. અહીં બરાનપુરામાં આવેલી ભારતી વિદ્યાલયમાં ધોરણ-09માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની સ્કૂલમાં જ હત્યા કરાયેલી લાશ મળી છે. મૃતક વિદ્યાર્થીનું નામ દેવ ભગવાનદાસ તડવી છે. સ્કૂલના જ એક વિદ્યાર્થીએ તેની હત્યા કરીને લાશ બાથરૂમમાં નાખી દીધી હતી. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હત્યાકાંડમાં એકથી વધારે સ્ટુડન્ટ્સ સામેલ છે.

હત્યાની જાણ થયા બાદ પોલીસ સ્કૂલ ખાતે દોડી ગઈ હતી અને એક સ્કૂલ બેગ કબજે કરી હતી. આ સ્કૂલબેગમાંથી એક છરી મળી આવી છે. એફએસએલના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મળેલી માહિતી પ્રમાણે આ સ્કૂલ બે પાળીમાં ચાલે છે. સવારે જ્યારે એક વિદ્યાર્થી ટોઇલેટમાં ગયો હતો ત્યારે તેને માલુમ પડ્યું હતું કે અંદર એક લાશ પડી છે. બાદમાં પ્રિન્સિપાલને જાણ કરવામાં આવી હતી. પ્રિન્સિપાલે આ અંગેની જાણ પોલીસને કરી હતી.

આ અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્કૂલના બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. જેમાંથી એકનું મોત થયું છે. છરી જેવા તિક્ષ્ણ હથિયારથી ઘા મારવામાં આવ્યા હતા. મૃતક અને મારનાર બંને સગીર  છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ સ્કૂલમા ધોરણ-9, ધોરણ-10 અને ધોરણ-11ના વિદ્યાર્થીઓ વચ્ચે છેલ્લા થોડા દિવસોથી કોઈ કારણને લઈને ઝઘડો ચાલી રહ્યો હતો. આ ઝઘડાએ વરવું સ્વરૂપ ધારણ કરતા આજે એક વિદ્યાર્થીની હત્યા થઈ ગઈ છે.

એફએસએલ તપાસ અને જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓએ સ્કૂલની મુલાકાત લીધા બાદ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વિદ્યાર્થીની હત્યા માટે વ્યવસ્થિત પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. પોલીસને સ્કૂલબેગમાંથી બે છરી મળી આવી છે. એટલું જ નહીં મારનાર વિદ્યાર્થીના બેગમાંથી મરચાનું પાણી પણ મળી આવ્યું છે. બાથરૂમ પાસેથી મારનાર વિદ્યાર્થીનો લોહીના ડાઘવાળો શર્ટ પણ મળી આવ્યો છે. વિદ્યાર્થીની હત્યામાં એક નહીં પરંતુ એકથી વધારે વિદ્યાર્થીઓ સામેલ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

વિદ્યાર્થીની હત્યાના સમાચારની જાણ જિલ્લા શિક્ષણ વિભાગને થતાં તેના અધિકારીઓ સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા. તેમણે પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું હતું કે, મૃતક વિદ્યાર્થી 12 વાગ્યાની પાળીમાં અભ્યાસ કરતો હતો. જ્યારે મારનાર વિદ્યાર્થી સવારની પાળીમાાં અભ્યાસ કરતો હતો.

(3:27 pm IST)