Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

અમદાવાદ : રેલવે સ્ટાફની પત્ની જ ચલાવતી હતી 'તત્કાલ' ટિકિટ બુકિંગ કૌભાંડ

'વાડ ચીભડા ગળી ગઇ' રેલવે કર્મચારીની પત્નીનું કૌભાંડઃ ખાસ સોફટવેરની મદદથી ચલાવતી તત્કાલ ટિકિટ બુકીંગ કૌભાંડ : રેલવે પોલીસે રેડ પાડી પકડી રંગેહાથ

અમદાવાદ તા. ૨૨ : જો તમે કયારેય તત્કાલ ટિકિટ કાઢવા માટે પ્રયાસ કર્યો હશે તો તમને ખબર જ હશે કે તત્કાલ માટે વિન્ડો ઓપન થયાની થોડી જ મિનિટોમાં લગભગ તમામ ટિકિટો બૂક થઈ જાય છે. ત્યારે જો કોઈ એકસાથે ૧૦-૧૦ ટિકિટ બુક કરી લેતું હોય તો તમે ચોક્કસ કહેશો કે બોસ આ તો ચિટિંગ કહેવાય. ગુજરાત રેલવે પોલીસે તાજેતરમાં આવું જ એક કૌભાંડ પકડી પાડ્યું છે અને તે બીજુ કોઈ નહીં ખુદ રેલવે કર્મચારીની પત્ની જ ચલાવતી હતી. જેણે આશરે રૂ.૩૩ લાખનું આ કૌભાંડ આચર્યું છે.

તત્કાલ ટિકિટ બુકિંગ માટે અરોપીએ ખાસ ટિકિટ બુકિંગ સોફટવેરની મદદ લીધી હતી જે તેને IRCTCના બુકિંગ સિસ્ટમમાં એન્ટ્રી અપાવી ધારે તેટલી ટિકિટ બુક કરવા દેતું હતું. આ રેલ્વે કર્મચારી અમદાવાદ ડિવિઝનના કોમર્શિયલ ડીપાર્ટમેન્ટમાં ફરજ બજાવતો હોવાનું કહેવામાં આવ્યું છે. જોકે તેનું અથવા તેની પત્નીનું નામ હાલ સામે આવ્યું નથી.

રેલવે પ્રોટેકશન ફોર્સ ક્રાઇમબ્રાન્ચના ઇન્સપેકટર એસ.ડી. યાદવે કહ્યું કે, 'તેમને મળેલી માહિતીની આધારે પોલીસ ટીમ સાથે રામોલ ખાતે એક મકાનમાં દરોડો પાડવામાં આવતા એક મહિલા અહીં IRCTCની વેબસાઇટ પર ખાસ સોફટવેરની મદદથી પોતાના પર્સલન આઈડી દ્વારા તત્કાલ ટિકિટ બુક કરી રહી હતી. તેની પાસેથી મુદ્દામાલ તરીકે શુક્રવારે ઉપડતી ટ્રેનોની ૮ તત્કાલ ટિકિટ મળી આવી હતી.'

તેમણે વધુમાં કહ્યું કે, 'સામાન્ય રીતે પર્સલન આઈડી પરથી તમને વધુમાં વધુ ૨ ટિકિટ બૂક કરી શકો છો. જોકે આ માટે પણ તમારી સ્પીડ વીજળી જેટલી હોવી જોઈએ. તેમાં પણ શકય બને કે તમે એક ટિકિટ બુક કરો ત્યાં સુધીમાં અન્ય ટિકિટ માટે તમે વેઇટિંગ લિસ્ટમાં આવી જાવ. જયારે આ મહિલા ખાસ પ્રકારના સોફટવેરનો ઉપયોગ કરી મિનિટોમાં અનેક ટિકિટ બુક કરતી હતી.'પોલીસે ઝડપી પાડેલી ૮ તત્કાલ ટિકિટ રૂ.૨૩,૬૪૦ જેટલી કિંમતની થાય છે. જયારે તપાસ અધિકારીના જણાવ્યા મુજબ આ મહિલાએ જાન્યુઆરી ૧થી ૨૧ જૂન સુધીમાં અંદાજે રૂ.૩૩.૩૦ લાખની કિંમતની તત્કાલ ટિકિટ બુક કરી છે. યાદવે વધુમાં કહ્યું કે, 'મહિલાની ધપકડ કરવામાં આવી છે અને આ સાથે જ પોલીસ તપાસ કરી રહી છે કે કઈ રીતે આરોપી સોફટવેરનો યુઝ કરતી હતી અને તેના આ કૌભાંડમાં પતિ પણ સામેલ હતો કે નહીં.'

(12:04 pm IST)