Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

અરવલ્લી જિલ્લામાં બળવો કરનાર 16 કોંગ્રેસના સદસ્યોને સસપેન્ડ કરાયા

અરવલ્લી તાલુકા પંચાયતના આઠ, બાયડ તાલુકા પંચાયતના સાત અને મેઘરજ તાલુકા પંચાયતના એક સદસ્ય સસ્પેન્ડ

અરવલ્લી જિલ્લામાં બળવો કરનાર 16 કોંગ્રેસના સદસ્યોને સસ્પેન્ડ કરાયા છે અરવલ્લી તાલુકા પંચાયતોના પ્રમુખ,ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન બળવો કરનાર કોંગ્રેસના ૮ સદસ્યોને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા હતા. બાયડ તાલુકા પંચાયતના સાત કોંગ્રેસી સદસ્યો અને મેઘરજ તાલુકા પંચાયતના એક સદસ્ય મળી કુલ 16 સદસ્યોને સસ્પેન્ડ કરી પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી શરૃ કરાઈ છે .

અરવલ્લીમાં કોંગ્રેસના સાત સદસ્યોએ બાયડ તાલુકા પંચાયતના પ્રમુખ,ઉપપ્રમુખની ચૂંટણીમાં બળવો કર્યો હતો અને ભાજપાના ઉમેદવારને મત આપ્યો હતો. પરિણામે અઢી વર્ષ અગાઉ મેળવેલી સત્તા કોંગ્રેસને ગુમાવવી પડી હતી. પાંચ પૈકિ એક તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાંથી સરકી જતાં બળવો કરનાર સદસ્યો સામે કોંગ્રેસે આકરાં પગલાં ભરવાના શરૃ કરી દીધા હતા અને તાલુકા પંચાયતનો ફટકો પાડનાર સાતેય સદસ્યોને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતા.

આજ રીતે મેઘરજમાં પણ એક તાલુકા પંચાયત સદસ્યએ બળવો કર્યો હતો અને ભાજપમાં ભળી જઈ પ્રમુખપદ મેળવ્યુ હતુ. જિલ્લામાં તાલુકા પંચાયતના કુલ આઠ સદસ્યોએ કોંગ્રેસમાં બળવો કર્યો હતો. પરિણામે ભાજપાના ખાતમાં વધુ એક તાલુકા ગઈ હતી. આ તમામ સદસ્યોને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હોવાનુ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારે જણાવી આ સદસ્યો સામે પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરવા પણ પ્રદેશ કક્ષાએથી કામગીરી હાથ ધરી દેવામાં આવી હોવાનુ જણાવ્યુ હતુ. બાયડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સદસ્યો વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ઉકળતો ચરૃ હતો પરંતુ ડેમેજ કંટ્રોલ કરવામાં કોંગ્રેસની નેતાગીરી નિષ્ફળ રહી હતી અને તેનો લાભ ભાજપાએ ઉઠાવી તાલુકા પંચાયતમાં ભગવો લહેરાવી દીધો હતો.

(7:40 pm IST)