Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

રથયાત્રાને લઇને પોલીસ દ્વારા અત્યારથી નાઇટ પેટ્રોલીંગ શરૂ

તા.૧૪મી જૂલાઇએ પરંપરાગત રથયાત્રા નીકળશેઃ સંવેદનશીલ વિસ્તારોમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ખડકાશે ડ્રોન, સીસીટીવી કેમેરા, હાઇટેક વાન સહિત સુરક્ષા તૈનાત

અમદાવાદ,તા.૨૧: ભગવાન જગન્નાથજીની ૧૪૧મી ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રા આગામી તા.૧૪મી જુલાઈના રોજ શહેરમાં નીકળવાની છે ત્યારે રાજ્યની સૌથી મોટી રથયાત્રાની સુરક્ષાને લઈ અમદાવાદ પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રથયાત્રાના રૂટ પર નાઈટ ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. આ વર્ષે પણ ગત વર્ષની જેમ જ લોખંડી સુરક્ષા વ્યવસ્થા તૈનાત રહેશે. જેમાં ડ્રોન મશીન, સીસીટીવી કેમેરા, હાઇટેક વાન સહિતની સુરક્ષા પણ હશે, જેના થકી શહેર પોલીસ રથયાત્રા દરમ્યાન એકેએક શંકાસ્પદ ગતિવિધિ અને હિલચાલ પર પોલીસ બાજ નજર રાખશે. રથયાત્રા પહેલાં અત્યારે દર શુક્રવાર અને શનિવારે રાત્રે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ કરી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તેની તમામ ચકાસણી કરી રહી છે અને સમગ્ર રૂટમાં નીરીક્ષણ કાર્યવાહી હાથ ધરી રહી છે. તા.૧૪ જુલાઈના રોજ અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથ, ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રાની રથયાત્રા નીકળશે. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ટ્રક, ભજન મંડળી, અખાડા, સાધુ-સંતો જોડાય છે, સાથે-સાથે લાખોની સંખ્યામાં લોકો પણ રથયાત્રાના દિવસે રસ્તા પર ભગવાનનાં દર્શન માટે ઊમટે છે. રથયાત્રાના રૂટ પર કેટલાક સંવેદનશીલ વિસ્તાર પણ આવેલા છે, જેથી પોલીસ દ્વારા સુરક્ષાને લઈ કવાયત શરૂ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રથયાત્રાના રૂટ પર નાઈટ ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. શુક્રવાર રાતે એસીપી અને શનિવારે રાત્રે ડીસીપીની આગેવાનીમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે જગન્નાથ મંદિરથી સરસપુર મંદિર સુધી અને સરસપુર મંદિરથી પરત જગન્નાથ મંદિરના રૂટ પર પેટ્રોલિંગ કરી રથયાત્રા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તેને લઈ ચેકિંગ પણ શરૂ કર્યું છે. શહેર પોલીસ કમિશનર એ. કે સિંઘ દ્વારા રથયાત્રા રૂટના વિસ્તારમાં અલગ-અલગ ધર્મના આગેવાનો સાથે મળી શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી રહી છે.  શહેરકોટડા, શાહપુર, કાલુપુર, ખાડિયા, જમાલપુર, દરિયાપુર, જોર્ડન રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કમિશનર દ્વારા મિટિંગ કરી રથયાત્રા કોમી એખલાસ અને ભાઈચારાના વાતાવરણમાં ઊજવાય તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષથી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાઈ રહી છે. સુરક્ષાને લઈને આ વર્ષે પણ ગત વર્ષ જેટલો જ પોલીસ બંદોબસ્ત રહેશે. આ વખતે ૧,૦૦૦ જેટલા નવા પોલીસકર્મીઓની અમદાવાદમાં નિમણૂક કરવામાં આવી હોઈ આ વર્ષે બહારથી વધુ પોલીસની જરૂરિયાત ઊભી નહિ થાય. આરએએફ, સીઆરપીએફ, બીએસએફ સહિતની લશ્કરી અને અર્ધ લશ્કરી દળોની સુરક્ષા ટીમો પણ શહેરની સલામતી વ્યવસ્થામાં તૈનાત કરાશે. વિવિધ ફોર્સનીકંપનીના અધિકારી સાથે પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મિટિંગ કરી અને બંદોબસ્તની તૈયારીઓ અને સુરક્ષા ચક્રોને લઇ આયોજન હાથ ધરાઇ રહ્યા છે.

(9:57 pm IST)
  • રેસ-૩ની ૧ સપ્તાહની કમાણી ૧૫૦ કરોડની નજીકઃ ૬ દિવસમાં ૧૩૮ કરોડની કરી કમાણીઃ હવે કમાણીની રેસ પર બ્રેક લાગે તેવી વકી access_time 3:34 pm IST

  • સુરતના અઠવા વિસ્તારમાં જુગારની ક્લબમાં ડીજી વિજિલન્સનો સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને દરોડો ;પીઆઇ કે કે ઝાલાને સસ્પેન્ડ કરાયા :પોલીસ કમિશનરના આકરા પગલાંથી બેડામાં ફફડાટ :પીઆઇ ઝાલા અગાઉ રાજકોટમાં એસઓજી સહિતના પોલીસ મથકોમાં અનેક મહત્વની કામગીરી બજાવી ચુક્યા છે access_time 12:55 am IST

  • કુંવરજીભાઈ દિલ્હીમાં: રાહુલને મળ્યાઃ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા આજે દિલ્હીમાં રાહુલ ગાંધીને મળી ગુજરાતની રાજનીતિ સંગઠન મુદ્દે અને આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા કરી : કુંવરજીભાઈએ આગામી ૨૪મીના રવિવારે સંમેલન બોલાવ્યુ છે access_time 3:35 pm IST