Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

કલોલની સઈજ જીઆઇડીસીની એક દવા બનાવતી કંપનીમાં અગમ્ય કારણોસર ભીષણ આગનું સ્‍વરૂપ ધારણ કર્યુ

મામલતદાર, ટીડીઓ, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા : ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયો હતો : આગ લાગવાનું કારણ હજુ અકબંધ: એમ્બ્યુલન્સ-પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી

ગાંધીનગરના કલોલ ખાતે સઈજ જીઆઇડીસીમાં આજે રવિવારે સવારે ભીષણ આગ લાગી હતી. કલોલની સઈજ જીઆઇડીસીની એક દવા બનાવતી કંપનીમાં અગમ્ય કારણોસર લાગેલી ભીષણ આગના પગલે ધુમાડાના ગોટેગોટા ઉઠતા જોવા મળ્યા હતા. જો કે ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. ફાયર બ્રિગેડની છ ગાડીઓ આગ ઓલવવાનાં પ્રયાસમાં લાગી ગઈ છે.

રાજ્યમાં ઔદ્યૌગિક વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં આજે રવિવારે સવારે ગાંધીનગરના કલોલની જીઆઇડીસીમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. કલોલ જીઆઈડીસીની દવા બનાવતી એક કંપનીમાં આ વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી, જેના પગલે વાતાવરણમાં ધુમાડાના ગોટેગોટા ઉઠતા જોવા મળ્યા હતા. જો કે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળ પર પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા છે. વિકરાળ આગને પગલે ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરાયો છે.

આગની તીવ્રતા જોતા કલોલ, કડી, વિજાપુર, માણસા, ગાંધીનગર, અમદાવાદની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી જઈને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. દવાની ફેક્ટરીમાં આગ એટલી ભીષણ છે કે દૂર દૂર સુધી આગના ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા છે. જેના પરથી જ આગની ભયાનકતાનો અંદાજ લગાવી શકાય છે. હાલમાં કલોલ મામલતદાર, કલોલ ટીડીઓ, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. તેમજ એમ્બ્યુલન્સ તેમજ પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

(5:53 pm IST)