Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

સુરત : મોર્નિંગ વોકમાં નિકળેલા યુવકના ગળામાંથી ૪ તોલાના સોનાના ચેઇન સ્‍નેચીંગ : રેકી કરી હોવાની આશંકા : પોલીસ તપાસ

સુરત : સુરતના વરાછા વિસ્તારમાં અંકુર ચાર રસ્તા પાસે ભાજીવાલા કમ્પાઉન્ડના નાકે જાહેર રોડ પર સવારના સાડા છ વાગ્યા આસપાસ મોર્નિંગ વોક કરતાં યુવકના ગળામાંથી 4 તોલા સોનાના ચેઈનનું સ્નેચિંગ કરીને મોપેડ પર આવેલા બે લબરમૂછિયા નાસી જવામાં સફળ રહ્યાં હતાં. બાદમાં યુવકે પોલીસમાં ફરિયાદ આપતાં વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ અંકુર ચાર રસ્તા પાસે આવેલા વિષ્ણનગર સોસાયટીમાં રહેતા ભરતભાઈ બાબુભાઈ ગુજરાતી મોર્નિંગ વોક પર નીકળ્યા હતાં. એ દરમિયાન ભાજીવાલા કમ્પાઉન્ડના નાકે મોપેડ પર આવેલા આશરે 20થી 25 વર્ષના બે અજાણ્યા તસ્કરોએ ભરતભાઈના ગળામાં પહેરેલી સોનાની ચેઈન જેની 2015 પ્રમાણે કિંમત 1.10 લાખ થાય છે. તે 40 ગ્રામ સોનાની ચેઈન લઈને નાસી ગયાં હતાં. તસ્કરો ચેઈન સ્નેચિંગ કરીને અંકુર ચાર રસ્તા તરફ નાસી ગયા હતાં.

ભરતભાઈએ જણાવ્યું હતું કે, હું રોજિંદા ક્રમ પ્રમાણે આ રસ્તા પર વોક પર નીકળું છું. આ રસ્તા પર સવારના સમયે લોકોની ભીડ હોતી નથી. આ લોકોએ લાભ લઈને પાછળથી આવી મારા ગળામાંથી ચેઈન તોડી લીધી હતી. ત્યારબાદ અમે રસ્તા પરના સીસીટીવી ચેક કરાવ્યા હતાં. જેમાં તસ્કરો દેખાતા નથી. બન્નેના ચહેરા ખુલ્લા હતાં. તથા પરપ્રાંતિય હોય તેવું લાગતું હતુ. હાલ પોલીસે ગુનો નોધી લીધો છે. તપાસ ચાલુ છે. જો કે, સમગ્ર ચેઈન સ્નેચિંગની મોડસ ઓપરેન્ડી જોતા બન્નેએ અગાઉ રેકી કરીને ઘટનાને અંજામ આપ્યો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

(2:29 pm IST)