Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો રિઝલ્ટ પહેલા દેવ દર્શને ગયા

અમદાવાદ-સુરત સહિતના શહેરોમાં મહાયજ્ઞ : ગુજરાતમાં ભાજપ દ્વારા વિજયોત્સવ-સરઘસ-ઉજવણીની આગોતરી તૈયારી : કોંગ્રેસ છાવણીમાં હજુ અવઢવ-સવાલ

અમદાવાદ, તા.૨૨ : આવતીકાલે લોકસભા ચૂંટણીની બહુ નિર્ણાયક અને દેશની નવી સરકાર અને સત્તા માટે મતગણતરી થવાની છે. ત્યારે ગુજરાતની ૨૬ બેઠકોનું પરિણામ પણ જાહેર થવાનું છે ત્યારે આજે ભાજપ અને કોંગ્રેસના વિવિધ ઉમેદવારો દ્વારા દેવી-દેવતાઓના દર્શન કરી તેમના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. તો બીજીબાજુ, અમદાવાદ, સુરત સહિતના સ્થળોએ મોદીની મહાજીત માટે મહાયજ્ઞ અને પ્રાર્થનાઓનો દોર શરૂ થઇ ગયો હતો. તો કોંગ્રેસની છાવણીમાં હજુ અવઢવ અને સવાલો-પ્રશ્નાર્થ જોવા મળી રહ્યા છે. ગુજરાત સહિત દેશભરની લોકસભા બેઠકોના પરિણામો આવતીકાલે જાહેર થનારા હોઇ અને એકઝીટ પોલ મુજબ, ભાજપની જીત અને કેન્દ્રમાં મોદી સરકાર ફરી એકવાર નિશ્ચિત હોઇ ભાજપ દ્વારા અમદાવાદ શહેર સહિત રાજયભરમાં અને ગાંધીનગર ભાજપના કાર્યાલય કમલમ્ ખાતે વિજયોત્સવ અને વિજયી સરઘસની સાથે ફટકાડા ફોડી આતશબાજી અને મીઠાઇ વહેંચવા સહિતના અનેક કાર્યક્રમોની ઉજવણીની આગોતરી તૈયારીઓ કરી રખાઇ છે તો ભાજપ દ્વારા મીઠાઇ, ફુલ અને ફટાકડાના ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે. ગુજરાત ભાજપના કાર્યાલય કમલમથી માંડીને દરેક જિલ્લા, તાલુકાના ભાજપના મુખ્ય મથકો પર જીતની ઉજવણી કરવા માટે ભાજપ દ્વારા સ્થાનિક નેતાઓને સૂચનાઓ આપી દેવામાં આવી છે. ખાસ કરીને આ ઉજવણીમાં ભાજપના ધારાસભ્ય અને આગેવાનો દરેક બેઠક પર ઉજવણી સમયે હાજર રહે તે માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખાસ કરીને ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મીઠાઈ, ફટાકડા, ફુલો અને ગુલાલ માટેના કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યા છે. આવતીકાલની જીતની ઉજવણીના ભાગરૂપે તમામ મંત્રીઓ, ધારાસભ્યો, મેયર અને જિલ્લા પંચાયતના પ્રમુખોને પોતાના વિસ્તારમાં મતગણતરી પૂર્ણ થયા બાદ કેવી રીતે ઉજવણી કરવી તેની સૂચના ભાજપ દ્વારા આપવામાં આવી છે. તો બીજી તરફ કોંગ્રેસ કાર્યાલય અને કોંગ્રેસના નેતાઓ જીત માટે સંપૂર્ણ આશાવાદી ન હોવાથી ઉજવણી કરવી કે નહીં તે અંગે અવઢવમાં છે. તેથી કોંગ્રેસના નેતાઓ મતગણતરીના સ્થળે પણ કેટલા સમય સુધી અને કોણ રોકાશે તે અંગે પણ હજૂ કોંગ્રેસ ચોક્કસ ગોઠવણ કરી નથી. બીજીબાજુ, કોંગ્રેસ પક્ષમાં હજુ પણ પરિણામોને લઇ અસમંજસતા અને એક પ્રકારનો અવિશ્વાસ જોવા મળી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ભલે સારા પરિણામ અને ગુજરાતમાં દસથી વધુ બેઠકો તેમ જ કેન્દ્રમાં કોંગી સરકારની આશા રાખીને બેઠા હોય પરંતુ કોંગ્રેસના કાર્યકરોમાં અને બુનિયાદી સ્તરે તેનો સાચો ઉત્સાહ વર્તાતો નથી, તે જ દર્શાવે છે કે, કોંગ્રેસને હજુ પણ પોતાની જીતને લઇ વિશ્વાસ નથી.

(8:41 pm IST)