Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ગુજરાત : વીવીપેટની ગણતરી થશે જેથી પરિણામોમાં વિલંબ

ગુજરાતના લોકોની પણ મતગણતરી ઉપર નજર : વીવીપેટ અને ઈવીએમના મતોમાં જો કોઈ તફાવત આવે તો વીવીપેટના મતોને આખરી ગણવામાં આવશે : રિપોર્ટ

અમદાવાદ,તા. ૨૨ : ગુજરાતની લોકસભા બેઠકો પર મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ હોવાનો અને સાથે સાથે ઈવીએમની સુરક્ષા સુનિશ્ચિત કરી દેવાઇ હોવાનો ચૂંટણી પંચે દાવો કર્યો છે. તમામ ૨૬ લોકસભાની બેઠકના ઇવીએમની સાથે સાથે ૧૬ વિધાનસભા દીઠ પાંચ વીવીપેટની ગણતરી કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા વિશેષ સીસીટીવી કંટ્રોલ રૂમ પણ ઉભા કરાયા છે અને તેના મારફતે મતગણતરીની સમગ્ર પ્રક્રિયા અને એકેએક શંકાસ્પદ હિલચાલ પર ચાંપતી નજર રખાશે તેવી પારદર્શક અને ફુલપ્રુફ વ્યવસ્થા કરાઇ છે. જો કે, ચૂંટણી પંચ દ્વારા ગુજરાત લોકસભાની ચૂંટણીના પરિણામની સત્તાવાર જાહેરાતમાં ત્રણેક કલાકનું મોડુ થઇ શકે છે તેવી શકયતા વ્યકત કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આવતીકાલે ગુજરાત લોકસભા બેઠકોની મતગણતરીના પરિણામ જાહેર કરવામાં થોડુ મોડું થઈ શકે છે. ખાસ કરીને ગુજરાતની લોકસભા બેઠકોનું પરિણામ ત્રણથી ચાર કલાક મોડુ જાહેર થાય તેવી શક્યતા છે. મિસમેચમાં વીવીપેટના મત આખરી ગણવામાં આવશે. ચૂંટણી પંચે વધુમાં જણાવ્યું કે, મતગણતરી હોલ અને સ્ટોરરૂમની બહાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેથી મતગણતરીનું કોઈપણ જાતનું વેબકાસ્ટિંગ નહીં થાય. દરમ્યાન રાજ્યના મુખ્ય ચૂંટણી એસ. મુરલીક્રિષ્ણાએ સ્પષ્ટ કર્યું હતું કે, દરેક વિધાનસભા દીઠ પાંચ વીવીપેટની ગણતરી કરવાની હોવાથી પરિણામ ત્રણથી ચાર કલાક મોડું જાહેર થશે. વીવીપેટ અને ઈવીએમના મતોમાં જો કોઈ તફાવત આવે તો વીવીપેટના મતોને આખરી ગણવામાં આવશે. ચૂંટણી પંચે ઈવીએમની સુરક્ષા પણ સુનિશ્ચિત કરી છે. તેમણે જણાવ્યું કે, ચૂંટણી પંચ દ્વારા પ્રજાજનો માટે વેબસાઇટ પર રિયલ ટાઇમ પરિણામો જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચની ખાસ મોબાઇલ એપ પરથી રિયલ ટાઇમ પરિણામો જાણી શકાશે. રાજ્યના મુખ્ય ચૂંટણી એસ. મુરલીક્રિષ્ણાએ જણાવ્યું હતું કે, ઈવીએમ-વીવીપેટની ગણતરીને મેચ કરવાની હોવાથી આ પરિણામ સત્તાવાર રીતે તા.૨૩મીમે મોડી રાત્રે અથવા તો તા.૨૪મીએ સવારે જાહેર કરી દેવાશે. ચૂંટણી પંચે ભલે આવો દાવો કર્યો છે પરંતુ રાજકીય નિષ્ણાતો અને સરકારી વર્તુળોના મતે, બપોરે બે વાગ્યાની આસપાસ પરિણામનો ટ્રેન્ડ સ્પષ્ટ થઇ જશે, પછી ભલેને સત્તાવાર જાહેરાત પાછળથી થાય.

(8:38 pm IST)
  • રામ નાઈક, કેસરીનાથ ત્રિપાઠી, મૃદુલા સિન્હા, પી. સદાશિવમ્, સી.વી. રાવ, કલ્યાણસિંહ વગેરે ૨૦૧૪થી રાજભવનમાં છે : વજુભાઈ વાળા, ઓ.પી. કોહલી સહિતના રાજ્યપાલોની મુદ્દત પુર્ણ થાય છેઃ કાલના પરિણામ પર ભાવિ નિર્ભર : કેન્દ્રમાં સરકાર યથાવત રહે તો ફરી રાજ્યપાલ પદે નિમણૂક મેળવવાની તક, સરકાર બદલાય તો રાજભવનમાંથી વિદાય નક્કીઃ આનંદીબેન ૧૬ મહિનાથી મધ્યપ્રદેશમાં રાજ્યપાલ પદે છે access_time 1:17 pm IST

  • મોહનભાઇ કુંડારીયાની જાહેરાત કાલે ભાજપનો વિજય થશે તો પણ પડધરી-ટંકારા વિસ્તારમાં કોઇ જ વિજય સરઘસ નીકળશે નહિ ! : રાજકોટમાં વિજય સરઘસ કે ઉજવણી કરવી કે કેમ તે અંગે વિજયભાઇ નિર્ણય લેશે : કોંગી ઉમેદવાર લલીતભાઇ કગથરાના યુવાન પુત્રના અકાળે અવસાનના પગલે મોહનભાઇનો સ્તુત્ય વિચાર access_time 1:17 pm IST

  • યુકેની હાઈકોર્ટમાં વિજય માલ્યાનો આજે ચાલનારો કેસ મુલત્વી રખાયો છે : ન્યાયાધીશ ઉપલબ્ધ ન હોવાથી કેસ આજે મુલત્વી રહ્યો છે access_time 1:16 pm IST