Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ખંભાતના વટાદરામાં અઢી વર્ષીય બાળકી પર ટ્રેકટર ફરી વળતા ઘટનાસ્થળેજ બાળકીનું કમકમાટી ભર્યું મોત

ખંભાત:તાલુકાના વટાદરા ગામે આજે સવારના સુમારે સુઈ રહેલી એક અઢી વર્ષની બાળકી ઉપર ટ્રેક્ટર ફરી વળતાં તેણીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતુ. આ અંગે ખંભાત રૂરલ પોલીસે ટ્રેક્ટરના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 

મળતી વિગતો અનુસાર મુળ દાહોદ જિલ્લાના વરખેડાના પરંતુ હાલમાં ખંભાત તાલુકાના વટાદરા ગામે પરિવાર સાથે રહેતા સંજયભાઈ રાજુભાઈ મોહનીયા છાણીયુ ખાતર ભરવાની મજૂરી કરીને જીવન ગુજરાન ચલાવે છે. આજે સવારના સાડા આઠેક વાગ્યાના સુમારે ઘનશ્યામભાઈ ધુળાભાઈ બોડાણાના ખેતરમા આવેલા ગોડાઉન નજીક કે જ્યાં તેઓ રહે છે ત્યાં પોતાની અઢી વર્ષની બાળકી રાજલને ઝાડ નીચે સુવડાવીને પત્ની સાથે નજીકમા આવેલા તળાવે ઉકરડો ભરવા માટે ગયા હતા. દરમ્યાન પુરપાટ ઝડપે આવી ચઢેલા એક ટ્રેક્ટર નંબર જીજે-૨૩, એએન-૭૧૮૯ બાળકી ઉપર ફરી વળતા માથાના ભાગે થયેલી ઈજાઓને કારણે તેણીનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. તપાસ કરતા ટ્રેક્ટરનો માલિક ગામનો જ અંબાલાલ મંગળભાઈ વારવોડા હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસે અકસ્માત સર્જીને ટ્રેક્ટર છોડી ફરાર થઈ ગયેલા ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 

(5:11 pm IST)