Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

અલ્પેશ ઠાકોરને અધ્યક્ષ નોટીસ ફટકારશેઃ કાર્યવાહીમાં વિલંબ નિવારવા કોંગી દંડક અશ્વિન કોટવાલની રજૂઆત

રાજીનામું અથવા કોંગ્રેસમાં પુનરાગમન, નહિતર ધારાસભ્ય પદ જોખમમાં

રાજકોટ, તા. ૨૨ :. બનાસકાંઠા જિલ્લાના રાધનપુરના કોંગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામુ આપી પક્ષ સામે જંગ માંડતા કોંગ્રેસે તેમને ધારાસભ્ય પદેથી દૂર કરવા વિધાનસભાના અધ્યક્ષને અગાઉ રજૂઆત કરેલ. આજે આ બાબતે પાર્ટીના દંડક અશ્વિન કોટવાલે વિધાનસભાના સચિવને મળી ત્વરીત આગળની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. આ રજૂઆતના પગલે વિધાનસભાના અધ્યક્ષ ટૂંક સમયમાં અલ્પેશ ઠાકોરનો જવાબ માંગતી નોટીસ ફટકારે તેવા સંજોગો છે. રાજકીય સમિક્ષકોનું કહેવુ છે કે, અલ્પેશે કોંગ્રેસ સાથે સમાધાન કરવુ પડે અથવા વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામુ આપવુ પડે નહિંતર સભ્ય પદ જોખમમાં મુકાશે. આવતીકાલના ચૂંટણી પરિણામ પછી અલ્પેશ પોતાનું વલણ જાહેર કરે તેવી શકયતા છે.

કોંગ્રેસે અગાઉ રજૂઆત કર્યા છતા અપેક્ષા મુજબ કાર્યવાહી ન થતા આજે દંડક શ્રી કોટવાલ વિધાનસભાના સચિવને મળ્યા હતા. તેમણે જણાવેલ કે વિધાનસભા ભવન તરફથી પોતાને લખવામાં આવેલ પત્ર હજુ સુધી મળ્યો નથી. ભવનમાં પત્ર વ્યવહારનું કાયમી સરનામુ આપ્યુ હોવા છતા ગામડાના સરનામા પર પત્ર મોકલાવેલ છે. અલ્પેશે પોતે પાર્ટીના તમામ પદ પરથી રાજીનામુ આપ્યાનું લેખીતમાં જણાવેલ. ધારાસભ્ય એ હોદ્દો નહિ પરંતુ ક્રિયાશીલ સભ્ય પદ છે તેથી તેના પત્રના ઉલ્લેખ મુજબ હવે ધારાસભ્ય પદ રદ્દ થવા પાત્ર છે.  અશ્વિન કોટવાલે રજૂઆત કરેલ કે, કોઈને આંગળી ચીંધવાનો મોકો ન મળે તે માટે વિધાનસભાના અધ્યક્ષે અલ્પેશ સામેની કાયદાકીય કાર્યવાહીમાં બીનજરૂરી વિલંબ નિવારવો જોઈએ.

(4:16 pm IST)