Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

અમદાવાદની બ્રિન્દા શાહે ધો.૧૦ની બોર્ડની પરિક્ષામાં ૯૯.૧૧ પી.આર. મેળવ્યાઃ એક સમયે દિક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો.

અમદાવાદ :ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. વેબસાઈટ પર ધોરણ-10નું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. રિઝલ્ટ આવતા પાસ થનારા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો માતાપિતામાં પણ સંતાનોના પાસ થવા પર ઉત્સાહ જોવા મળ્યો છે. WWW.GSEB.ORG ની વેબસાઈટ પર પરિણામ જાણી શકાશે. ત્યારે અમદાવાદમાં બ્રિન્દા શાહ નામની વિદ્યાર્થીનીએ 99.11 પર્સન્ટાઈલ મેળવ્યા છે. વિદ્યાર્થીની ધોરણ-10 સુધીના અભ્યાસની કહાની પણ રોચક છે, કારણ કે એક સમયે બ્રિન્દા દીક્ષા લેવાની હતી.

અમદાવાદના કામેશ્વર વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી બ્રિન્દા શાહે 99.11 પર્સન્ટાઈલ મેળવ્યા છે. પિતા ટુ વ્હીલરનું ગેરેજ ચલાવતા હોવાથી તે અત્યંત સામાન્ય પરિસ્થિતિમાંથી આવે છે. એટલું નહિ, રિઝલ્ટ તેણે કોઈ પણ ટ્યુશન ક્લાસિસ વગર મેળવ્યું છે. ત્યારે તેની સફળતા જોઈ તેના માતા-પિતા પણ ખુશ થઈ ગયા હતા. બ્રિન્દા વિશે રસપ્રદ વાત તો છે કે, અગાઉ વિદ્યાર્થીની દીક્ષા લેવા માગતી હતી. પરંતુ તેને સમજાવ્યા બાદ અભ્યાસ કરી અને સફળ થઈ હતી અને માતા-પિતાનું નામ રોશન કર્યું છે.

બ્રિન્દા શાહે કહ્યું હતું કે, મેં ખૂબ મહેનત કરી હતી, મારી અપેક્ષા કરતા ઓછું પરિણામ આવ્યું છે, પણ હું આગળ આના કરતા પણ વધુ મહેનત કરીશ. મારા માતાપિતા જેવો સપોર્ટ મને કોઈનો મળ્યો નથી. જ્યારે ગેરેજ ચલાવતા તેના પિતાએ કહ્યું કે, બ્રિન્દા માટે અમે ખૂબ મહેનત કરીશું. તો બીજી તરફ બ્રિન્દાનું પરિણામ આવતા તેના માતાના આંખમાંથી આસુ આવી ગયા હતા.

(4:41 pm IST)