Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

વધારાની ફી ઉઘરાવનાર તમામ એન્જિ. કોલેજને નોટિસ મળશે

૧૦૦ એન્જિ. કોલેજો આદેશને પણ ઘોળીને પી ગઇ : એફઆરસીના નિર્દેશ છતાં વિદ્યાર્થી પાસેથી ઉઘરાવાયેલી વધારાની ફી તેઓને પરત ન કરાતાં કઠોર કાર્યવાહી થશે

અમદાવાદ,તા. ૨૨ : રાજ્યની એન્જિનિયરિંગ કોલેજો દ્વારા આડેધડ વસૂલવામાં આવતી ફીના નિયમન માટે શિક્ષણ વિભાગ દ્વારા ફી નિયમન કમિટી (એફઆરસી)ની રચના કરવામાં આવી છે, જેમાં રાજ્યની આઠ એન્જિનિયરિંગ કોલેજોએ વિદ્યાર્થીઓ પાસેથી ફી અથવા ડિપોઝીટના નામે વધારે રકમ લીધી હોવાની અનેક ફરિયાદ એફઆરસીને મળી હતી. ત્યારબાદ બીજી ૧૦૦ જેટલી એન્જિનિયરિંગ કોલેજો કમીટીએ નક્કી કરેલી ફી કરતાં વધારાની ફી કે ડિપોઝિટના બહાને જુદાં જુદાં ઉઘરાણાં કરી રહી હોવાની વ્યાપક ફરિયાદો કમીટીને મળતાં કમીટીએ વિદ્યાર્થીઓને તેમની પાસેથી ઉઘરાવાયેલી વધારાની ફી પરત કરી દેવા આવી કોલેજોને નિર્દેશ આપ્યા હતા પરંતુ કોલેજો દ્વારા એફઆરસીની આદેશને પણ ઘોળીને પી જવાતાં હવે આવી એન્જિનિયરિંગ કોલેજોને આગામી સપ્તાહથી એફઆરસી શો-કોઝ નોટિસ ફટકારવાનું ચાલુ કરશે અને તેઓની વિરૂધ્ધ કડક કાર્યવાહી કરશે. જસ્ટિસ અક્ષય મહેતાના નેતૃત્વ હેઠળ એફઆરસીની રચના કરવામાં આવી છે. તાજેતરમાં જ રાજ્યની ૮ કોલેજોએ ૧૦૭૪ વિદ્યાર્થીઓ પાસેથી નિયત કરાઈ હોય તેના કરતાં વધુ રકમ ઉઘરાવી હતી તેવી ફરિયાદના આધારે ચકાસણી કરવામાં આવી હતી. જેમાં આ વાત સાચી માલૂમ પડતાં એફઆરસી દ્વારા આઠ ટેકનિકલ ઈન્સ્ટિટ્યૂટને ૧૦૭૪ વિદ્યાર્થીઓને રૂ.૯૬,૩૯,૨૭૭ની રકમ પરત કરવા આદેશ કરાયો હતો અને તેની ચુકવણી પણ કરી દેવામાં આવી છે, જોકે એફઆરસીને એવી પણ ફરિયાદો મળી હતી કે કેટલીક કોલેજોના સંચાલકો વધારાની ફી કે ડિપોઝીટના નામે વિદ્યાર્થીઓ પાસેથી હજુ વધુ રકમ પડાવી રહ્યા છે. આવી કોલેજોની સંખ્યા ૧૦૦થી વધુ છે. તેથી ડેક્લેરેશન કમ અંડરટેકિંગ ન આપનારા અથવા એફઆરસીએ નક્કી કરેલી ફી કરતાં વધારાની ફી કે ડિપોઝીટના બહાને ઉઘરાણાં કરનારી કોલેજોને શો-કોઝ નોટિસ ઉપરાંત કાયદાની જોગવાઈ પ્રમાણે કાર્યવાહી કરવાની હિલચાલ હવે આરંભાઇ છે. કુલ ૮ પૈકીની અમદાવાદની અદાણી એન્જિનીયરિંગ કોલેજમાં ૩૦૮ વિદ્યાર્થીઓને રૂ.૩૯,૮૦,૦૦૦ પરત કરવાનો આદેશ કરાયો છે, જ્યારે એશિયા પ્રેસિફિક હોટલ મેનેજમેન્ટ કોલેજના ૧૦ વિદ્યાર્થીઓને રૂ.૩,૫૪,૭૦૦ પરત કરવાનો આદેશ એફઆરસી દ્વારા અપાયો છે. આ અંગે એફઆરસીના સભ્ય સીએ જૈનિક વકીલે જણાવ્યું હતું કે ક્વોશન મની ન લઈ શકાય તેવો લીગલ ઓપિનિયન કમીટીને મળી ગયો છે. તેથી અંડરટેકિંગ નહીં આપનારી ૧૫૦થી વધુ કોલેજોને શો-કોઝ નોટિસ ફટકારવાનું ચાલુ કરાશે. હાલમાં ૮ કોલેજોએ રૂ.૯૬ લાખ ફી પરત કરી દીધી છે, પરંતુ ૧૦૦થી વધુ કોલેજોને વધારાની ફી પરત કરવાનો આદેશ અપાયા પછી ફી પરત નહીં કરાતી હોવાની ફરિયાદો મળતાં તેમને શો-કોઝ નોટિસ આપીને હવે તેઓની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

(7:56 pm IST)