Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

પાટીદારો ઉપર પોલીસ અત્યાચારના દોઢસો વિડીયો ફૂટેજનો ઢગલો

ફાયરીંગમાં શહિદ થયેલ પિતા-પુત્રની ઘટનાને નજરે જોનાર જતિન પટેલનું સોગંદનામું રજૂ થયું : દિનેશ બાંભણિયાએ એફિડેવીટરૂપે ૪૩૮ પાનાની FIRની નકલ જોડી : પારઘી - નંદાસણા સામે ગુન્હો દાખલ કરો : પાટીદારને ફસાવનારા સામે શું પગલા લીધા ?

રાજકોટ તા. ૨૨ : પાટીદારો ઉપર થયેલા પોલીસ દમનની તપાસ કરી રહેલા જસ્ટીસ કે.જે.પૂજ કમિશન સમક્ષ વિવિધ સંગઠનો દ્વારા પૂરાવાના ઢગલા થયા છે. ૨૫મી ઓગષ્ટ ૨૦૧૫ના દિવસે જીએમડીસી ગ્રાઉન્ડમાં પોલીસે ગુજારેલા અત્યાચાર અને ત્યારબાદના ઘટનાક્રમમાં રાજ્યભરમાં પોલીસે કરેલા લાઠીચાર્જ, ફાયરીંગ અને મિલકતોને નુકસાન પહોંચાડવાના ૧૫૬ વિડીયો ફૂટેજ સોમવારે રજૂ કરવામાં આવ્યા હતા.

પાટીદાર આગેવાન દિલીપ સાબવાએ વસ્ત્રાલમાં પોલીસ ફાયરીંગમાં શહિદ થયેલા પિતા-પુત્ર સિધ્ધાર્થ અને ગીરીશભાઇને ન્યાય મળે તેના માટે આ ઘટનાને નજરે જોનારા જતિન પટેલ મારફતે સોગંદનામુ રજૂ કર્યું છે. જેમાં તત્કાલિન પીઆઇ પારઘી અને એસીપી નંદાસણા સામે ફોજદારી ગુનો દાખલ કરવા માંગણી કરવામાં આવી છે.

દિનેશ બાંભણિયાએ એફિડેવિટ સ્વરૂપે પાટીદારો સામે થયેલી ૪૩૮ એફઆઇઆરની કોપી રજૂ કરી છે. જેમાં માંગણી કરી છે કે આવી ખોટી ફરીયાદો કેમ કરી? પાટીદારોને ફસાવનાર પોલીસ સામે શું એકશન લેવામાં આવ્યા ? ઉપરાંત તેમણે વધુ પુરાવા રજૂ કરવા પંચની ટાઇમલાઇનમાં એક મહિનાનો વધારો કરવા પણ માગણી કરી છે. કારણ કે પોલીસ સહિતનું સરકારી તંત્ર પુરાવા માટેના દસ્તાવેજ આપવામાં વિલંબ કરી રહ્યો છે.

પાટીદારોને આર્થિક ધોરણે અનામતની માગણી સાથે ચાલેલા આંદોલનમાં હિંસક વળાંક આવ્યા બાદ પાસ અને સરકાર વચ્ચે શ્રેણીબધ્ધ બેઠકો ચાલી હતી. જેમાં સૌથી મોટી માગણી પોલીસે પાટીદારો પર આચરેલા દમનની સ્વતંત્ર પંચ દ્વારા તપાસ થાય અને જવાબદાર પોલીસ સામે કેસ નોંધવામાં આવે તેવી પણ માગણીનો સમાવેશ થતો હતો.

(4:11 pm IST)