Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

સવાસો કરોડની વેટચોરીના કેસની પતાવટ માટે ઈન્સ. શેખે પાંચ કરોડ માંગ્યા !! ડીજીએ સસ્પેન્ડ કર્યા

સવા કલાકની ૭ ઓડિયો કલીપ અદાલતમાં રજૂ થયેલઃ હાઈકોર્ટ સુધી આગોતરા નામંજુર થયેલ : રજનીગંધા પાન મસાલાનો ૯૬૦ કરોડનો જથ્થો ઝડપાયેલઃ ૧૩૮ કરોડની : વેટચોરી બહાર આવેલઃ પોલીસવડા પ્રમોદકુમારના નામે મોટો તોડ કરવા સાજીસ : કંપનીના એજન્ટ રાજેન્દ્ર કેશવાણી પાસે કેસ ઢીલો કરવા-પરેશાન નહિ કરવા અધધધ જંગી રકમ માગેલ

વડોદરા, તા. ૨૨ :. રજનિગંધા પાન મસાલા ગ્રુપ દ્વારા આચરવામાં આવેલી રૂ. ૧૩૮ કરોડના વેટ ચોરી કૌભાંડના સંદર્ભમાં દાખલ થયેલા કેસમાં પતાવટ કરવા માટે આરોપી એજન્ટ પાસે રૂ. ૫ કરોડની લાંચ માગવાનો આરોપ ધરાવતા સી.આઈ.ડી. ક્રાઈમના તત્કાલીન પી.આઈ. આઈ.આઈ. શેખ (જેઓ હાલમાં વડોદરા પીટીએસમાં ફરજ બજાવે છે)ને સસ્પેન્ડ કરવાનો રાજ્યના પોલીસ મહાનિર્દેશકે હુકમ કર્યો છે.

આ ચકચારી પ્રકરણમાં ફરીયાદીના એડવોકેટ હિતેશ ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, સને ૨૦૧૬ના અરસામાં પાન મસાલાનું ઉત્પાદન કરતી રજનિગંધા ગ્રુપનો રૂ. ૯૬૦ કરોડનો જથ્થો ઝડપાયો હતો. જે સંદર્ભમાં સરકાર તરફે રૂ. ૧૩૮ કરોડની વેટ ચોરીની ફરીયાદ સ્ટેટ સી.આઈ.ડી. ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ હતી. આ ફરીયાદની તપાસ સીઆઈડીના તત્કાલિન પીઆઈ આઈ.આઈ. શેખ પાસે હતી.

આ કેસમાં કંપનીના એજન્ટ રાજેન્દ્ર કેશવાણી સામેનો કેસ ઢીલો કરવા અને તેઓને પરેશાન નહીં કરવા માટે સી.આઈ.ડી.ના તત્કાલિન ડી.જી. પ્રમોદકુમારના નામે રૂ. ૫ કરોડની માંગણી કરી હતી.

વાત ૩ કરોડ અને પછી ૨ કરોડ ઉપર આવીને અટકી હતી. જે અંગેની લગભગ ૧ કલાક ૨૧ મિનીટની કુલ ૭ ઓડિયો કિલપ પુરાવા તરીકે એસીબીમા આપવામાં આવી હતી. એસીબી એ પીઆઈ આઈ.આઈ. શેખ સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ એફ.આઈ.આર. રજિસ્ટર કરી હતી. જે કેસમાં હાઈકોર્ટ સુધી આગોતરા જામીન નામંજુર થયા છે. આ કેસના સીલસીલામાં પીઆઈ આઈ.આઈ. શેખને હવે સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. પી.આઈ. આઈ.આઈ. શેખ હાલમાં વડોદરા ખાતે પીટીએસમાં ફરજ બજાવી રહ્યા છે. પોલીસ મહાનિર્દેશક દ્વારા જારી કરાયેલા સસ્પેશનના હુકમમાં જણાવાયુ છે કે પી.આઈ. શેખની ગેરવર્તણુક ગંભીર પ્રકારની છે. ગુનો પુરવાર થાય અથવા તો ખાતાકીય તપાસના અંતે આક્ષેપો સાબિત થાય તો તેઓને નોકરીમાંથી બરતરફ કરવાની શકયતા રહેલી છે.

(4:10 pm IST)